-મૃતક
મુસ્લિમ દંપતી ચાલીસમાની વિધિમાં જૂનાગઢ જતું હતું
ચોટીલા,સુરેન્દ્રનગર,તા.14:ચોટીલા-સાયલા
નેશનલ હાઇવે પર સાંગાણી ગામના પાટિયા નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ડામર ભરેલા ટેન્કર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં બસમાં આગ ફાટી નીકળી
હતી. વહેલી સવારનો સમય હોવાથી મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા, જેના કારણે તેમને બહાર
નીકળવાનો મોકો મળ્યો ન હતો. આ ભયાનક દુર્ઘટનામાં ચાર મુસાફરો ઘટનાસ્થળે જ જીવતા ભૂંજાયા
હતા, જ્યારે દસથી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક
સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત
નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેન્કરમાંથી મોટી માત્રામાં
ગરમ ડામર હાઇવે પર ઢોળાઈ ગયો હતો, જેના કારણે બસમાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગમાં
ભોગ બનેલા ચાર મૃતકો પૈકી ત્રણની ઓળખ થતાં પરિવારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું
છે, જેમાં મધુરમ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસના ચાલક જૂનાગઢના 34 વર્ષીય સિદ્ધાર્થગીરી
પ્રભાતગિરી ગોસ્વામીનું મૃત્યુ નીપજ્યું છે, તેમના પિતા જૂનાગઢ પોલીસમાં જમાદાર હતા
અને માતાનું ચાર મહિના પહેલાં જ અવસાન થયું હતું, ત્યારે હવે ઘરના એકમાત્ર આધારસ્તંભ
એવા સિદ્ધાર્થગીરી ગુમાવતાં તેમની પત્ની શિલ્પાબેન અને 14 તથા 16 વર્ષની બે માસૂમ દીકરીઓ
નિરાધાર બન્યા છે. આ સિવાય અન્ય બે મૃતકોમાં અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અને રિક્ષા
ચલાવી ગુજરાન ચલાવતા જબ્બારભાઈ અલીભાઈ ખીચી (ઉંમર 60) અને તેમના પત્ની નસુબેન (ઉંમર
55) હોવાનું સામે આવ્યું છે, જેઓ જૂનાગઢ ખાતે નસુબેનના દિવંગત ભાઈ યુનુસભાઈની 40માની
વિધિમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે કાળનો કોળિયો બન્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં
ચોથા મૃતક તરીકે બસના ક્લીનર હોવાનું પ્રાથમિક તારણ છે, જેમની ઓળખ મેળવવા માટે હાલ
પોલીસ તંત્ર દ્વારા સઘન તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. મૃતક મુસાફરોની ઓળખ કરવી અત્યંત
મુશ્કેલ બની હતી જેના કારણે હવે ઉગઅ ટેસ્ટ દ્વારા જ મૃતકોની ઓળખાણ શક્ય છે તેવું જાણવા
મળ્યું હતું.