• ગુરુવાર, 14 મે, 2026

વેરાવળમાં તાંત્રિક વિધિના નામે મહિલા સાથે 76.66 લાખની છેતરપિંડી

સ્મશાનમાંથી દટાયેલું સોનું કાઢી આપનાર આરોપીની મુંબઈ જેલમાંથી કસ્ટડી મેળવી પૂછપરછ હાથ ધરાઈ 

વેરાવળ, તા.13: વેરાવળના ભીડિયા વિસ્તારમાં રહેતી અને માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાને તાંત્રિક વિધિના બહાને મસાણમાંથી હીરા, માણેક અને સોનાના ઘડા કાઢી આપવાની લાલચ આપી રૂ.76.66 લાખની છેતરપિંડી કરવાના ચકચારભર્યા ગુનામાં સિટી પોલીસે મુખ્ય આરોપી આરીફ ગફાર ઉર્ફે ભૂરો વરિયાળીને મુંબઈ ખાતેથી ઝડપી પાડી વેરાવળ લાવવામાં સફળતા મેળવી છે. કોર્ટે આરોપીના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરતા હવે પોલીસ વધુ ઉંડી તપાસ હાથ ધરી છે.

આ અંગે તપાસનીશ અધિકારી સીટી પીઆઈ જે.એન. ગઢવીએ આપેલી માહિતી મુજબ, ફરિયાદી વિજયાબેન ચોરવાડીએ આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2024 ના જાન્યુઆરીમાં પારિવારિક ઓળખાણ ધરાવતા આરીફ ઉર્ફે ભૂરો વરિયાળીએ તેમને એક ‘અઘોરી તાંત્રિક’ વિશે વાત કરી હતી. આરોપીએ મહિલાને વિશ્વાસ અપાવ્યો હતો કે ઉનાના આમોદ્રા ગામના મસાણ નજીક જમીનમાં હીરા, માણેક અને સોનાથી ભરેલા ચરુ દટાયેલા છે અને ખાસ તાંત્રિક વિધિ દ્વારા તે બહાર કાઢી શકાય છે. આરોપીએ મહિલાને પ્રભાસ પાટણ ખાતે એક કથિત અઘોરી બાબા સાથે મળાવ્યા હોવાનું નાટક રચી વધુ વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ વિધિ માટે સોનાના નાગ, ખોડિયાર માતાની મૂર્તિ, ચાંદીની થાળી, દાગીના તથા રોકડ રકમની જરૂર હોવાનું કહી અલગ અલગ સમયે લાખો રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી.

બાદમાં મહિલાએ વેરાવળની વિવિધ જ્વેલર્સ દુકાનોમાંથી 115 ગ્રામના ત્રણ સોનાના નાગ, સોનાના દાગીના, ચાંદીના આભૂષણો, ખોડિયાર માતાની સોનાની મૂર્તિ તેમજ 48 તોલા જેટલું શુદ્ધ સોનું ખરીદી આરોપીને સોંપ્યું હતું. ઉપરાંત તાંત્રિક વિધિ માટે રૂ. 25 લાખ રોકડા પણ આપ્યા હતા. આમ કુલ રૂ. 76,66,645ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ખાસો સમય પસાર થતાં કોઈ વિધિ ન થતા અને આરોપી સતત બહાના બતાવતો હોવાથી મહિલાને છેતરાયાની શંકા ગઈ હતી. જ્યારે પૈસા અને દાગીના પરત માગ્યા ત્યારે આરોપીએ ધમકી આપી હતી કે ફરી સંપર્ક કરશો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. 

આ ચકચારી ઘટનામાં પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલ મહિલાની ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી આરીફ ઉર્ફે ભૂરો વરિયાળી મુંબઈ ખાતે એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં જેલમાં બંધ હતો. જેના આધારે ગીર સોમનાથ પોલીસે કોર્ટની પરવાનગી મેળવી આરોપીનો કબ્જો મેળવ્યો હતો. ત્યારબાદ વેરાવળ સિટી પોલીસની ટીમ મુંબઈ પહોંચી આરોપીને ઝડપી લાવી હતી. હાલ પોલીસ આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી રહી છે. સાથે જ કથિત અઘોરી બાવાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક