• શનિવાર, 04 મે, 2024

વન મેન આર્મી માર્ક્સ સ્ટોઇનિસની રેકોર્ડ બ્રેક સેન્ચૂરી

ચેન્નાઇના ગઢ ચેપોકમાં રન લક્ષ્યાંકનો પીછો કરતા IPLનો સર્વોચ્ચ સ્કોર બનાવી લખનઉને દિલધડક જીત અપાવી

ચેન્નાઈ, તા.24: આઇપીએલના ગઈકાલના મેચમાં માર્ક્સ સ્ટોઇનિસે વન મેન આર્મી બનીને એકલપંડે લખનઉ સુપર જાયન્ટ્સને શાનદાર જીત અપાવી હતી. સ્ટોઇનિસે સીએસકેના ગઢ ચેપોક સ્ટેડિયમ પર પાવર હિટિંગ કરીને ફક્ત 63 દડામાં 13 ચોક્કા અને 6 છક્કાથી મેચ વિનિંગ 124 રનની અણનમ ઇનિંગ રમી હતી. આથી લખનઉ સુપર જાયન્ટ્સે 211 રનનો વિજય લક્ષ્ય 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને સર કરી લીધો હતો. આ મેચ અગાઉ લખનઉ ટીમે હોમ ગ્રાઉન્ડ ઇકાના સ્ટેડિયમ પર ચેન્નાઈને હાર આપી હતી.

પહેલો દાવ લેનાર સીએસકેએ કપ્તાન ઋતુરાજ ગાયકવાડની સદી 108 રન અને શિવમ દૂબેના વિસ્ફોટક 66 રનની મદદથી 4 વિકેટે 210 રન ખડક્યા હતા. જવાબમાં લખનઉ ટીમે ડિ’કોક (0) અને કપ્તાન કે એલ રાહુલ (16)ની પારંભે જ વિકેટ ગુમાવીને નબળી શરૂઆત કરી હતી. 33 રનમાં બે વિકેટ પડી ગઈ હતી. આ પછી પડીક્કલ (13) આઉટ થયો હતો. 88 રનમાં 3 વિકેટ પડી ગયા બાદ સ્ટોઇનિસનું પરાક્રમ શરૂ થયું હતું.તેણે આઇપીએલ કેરિયરની પહેલી સદી ફટકારી હતી અને ચેન્નાઈ ટીમના બોલરોની તેના ગઢમાં જ ધોલાઈ કરી હતી. દબાણની સ્થિતિમાં તેણે અદ્ભુત અને આતશી બેટિંગ કરીને લખનઉ ટીમે 3 દડા બાકી રહેતા જીત અપાવી હતી. આ દરમિયાન સ્ટોઇનિસે આઇપીએલમાં રન લક્ષ્યાંકનો પીછો કરતા સર્વોચ્ચ 124 રનનો સ્કોર કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક