કોલંબો, તા.24ઃ શ્રીલંકા વિરુદ્ધના બીજા ટેસ્ટના પહેલા દિવસે રિટાયર્ડ હર્ટ થયા પછી બીજા દિવસે ક્રિઝ પર વાપસી કરનાર ભારતીય વિકેટકીપર ઋષભ પંતે 63 રનની આકર્ષક ઇનિંગ રમીને બે નવા રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. તે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ. એસ. ધોનીથી આગળ થયો છે. ઋષભ પંત ભારત બહાર વિકેટકીપરનાં રૂપમાં સૌથી વધુ રન કરનારો બેટર બન્યો છે. તેણે આ મામલે ધોનીને પાછળ રાખી દીધો છે. ધોનીના વિદેશમાં ટેસ્ટ ફોર્મેટમાં 2496 રન છે. પંતના ખાતામાં હવે 2પ01 રન થયા છે અને ટોચ પર આવી ગયો છે. આ સૂચિમાં પંત-ધોની પછી ફારૂક એન્જિનિયર (1209), સૈયદ કિરમાણી (1109) અને કિરણ મોરે (901) છે. આ ઉપરાંત પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છક્કા મારનાર બેટર્સની સૂચિમાં ગિલક્રિસ્ટથી આગળ થઇને ત્રીજા સ્થાને આવી ગયો છે. તેના હવે 102 છક્કા થયા છે. ગિલક્રિસ્ટે તેની ટેસ્ટ કેરિયરમાં 100 છક્કા ફટકાર્યા હતા. આ સૂચિમાં બેન સ્ટોક્સ (138) પહેલા અને બ્રેંડન મેક્કયૂલમ (107) બીજા સ્થાને છે. પંતે તેની ટેસ્ટ કેરિયરમાં વિકેટકીપરના રૂપમાં 17મી વખત પ0 પ્લસ સ્કોર બનાવ્યો છે અને આ મામલે માર્ક બાઉચરથી આગળ થયો છે. આ સૂચિમાં પહેલા નંબર પર ગિલક્રિસ્ટ (19) છે.