હૈદરાબાદની નજર જીતની હેટ્રિક પર અને દિલ્હીની વિજય ક્રમ જાળવી રાખવા પર
હૈદરાબાદ,
તા. 20: આઇપીએલની 19મી સીઝનમાં 6-6 અંક સાથે પોઇન્ટ ટેબલ પરની ચોથા અને પાંચમા નંબરની
ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ મંગળવારના મેચમાં આમને-સામને હશે. ત્યારે
બન્ને વચ્ચે પોઇન્ટ ટેબલ પર આગળ થવાની ટક્કર થશે. સનરાઇઝર્સનો નેટ રન રેટ સારો છે.
આથી તે 4 નંબર પર છે. સનરાઇઝર્સ જીતની હેટ્રિક રચવા માંગશે તો પાછલા મેચના વિજયથી ઉત્સાહિત
કેપિટલ્સનું મનોબળ મજબૂત છે.
કેપ્ટન
કમિન્સની ગેરહાજરીથી સનરાઇઝર્સની બોલિંગ નબળી લાગી રહી હતી, પણ તેમાં હવે સુધારો થયો
છે. કમિન્સ પણ ટીમ સાથે જોડાઇ ગયો છે, પણ આ મેચમાં રમવાનો નથી. સનરાઇઝર્સ તરફથી પાછલા
બે મેચમાં ત્રણ નવા ખેલાડી પ્રફૂલ્લ હિંગે, સાકિબ હુસેન અને શિવાંગ કુમારે મોકાનો પૂરો
ફાયદો ઉઠાવ્યો છે. સનરાઇઝર્સનો મજબૂત પક્ષ બેટિંગ છે, પણ તેના સ્ટાર બેટર્સ અભિષેક,
હેડ, ઇશાન અને કલાસેન સાતત્ય જાળવી શક્યા નથી.
દિલ્હી
માટે ચિંતા સમીર રિઝવી પાછલા ત્રણ મેચમાં બે આંકડે પહોંચી શક્યો નથી. તેણે શરૂઆતના
બે મેચમાં મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. મિચેસ સ્ટાર્કની અનુપસ્થિતિ છતાં દિલ્હીની બોલિંગમાં
વિવિધતા અને વેધકતા છે. એનગિડી, નટારાજન, મુકેશકુમાર, કપ્તાન અક્ષર અને કુલદીપ કોઇ
પણ ટીમ પર ભારે પડી શકે છે. જયારે બે આફ્રિકી ખેલાડી ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલર
દિલ્હી માટે ફિનિશરનો રોલ સારી રીતે નિભાવી રહ્યા છે.
સનરાઇઝર્સ-કેપિટલ્સનો
મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ પર રમાશે. જ્યાં પાટા વિકેટ છે. આથી રનના ઢગલા
થશે. ટોસ જીતનાર ટીમ પ્રથમ દાવ લઇને 22પ ઉપરનો સ્કોર કરવા માંગશે.