મહત્ત્વના ઉત્સવ દરમિયાન ભોજન, ચિકિત્સા સહિતની વ્યવસ્થા કરવામાં આવી
ઈસ્લામાબાદ, તા. 20 : પાકિસ્તાનમાં
ત્રણ દિવસીય હિંગળાજ માતા ઉત્સવ રવિવારે સંપન્ન થયો હતો. અહેવાલ અનુસાર ઉત્સવમાં ત્રણ
લાખ હિન્દુઓ મંદિરે પહોંચ્યા હતા. આ આંકડો ગયા વર્ષના ઉત્સવ કરતા લગભગ ત્રણ ગણો વધારે
છે. ઉત્સવમાં આયોજન સ્થળે ભોજન વ્યવસ્થા, ચિકિત્સા સુવિધા વગેરેની વ્યવસ્થા કરવામાં
આવી હતી.
પાકિસ્તાનના સ્થાનિક અહેવાલ અનુસાર
મંદિરમાં ચાલુ વર્ષના ઉત્સવ દરમિયાન ત્રણ લાખ હિન્દુ પહોંચ્યા હતા. પૂરાં વર્ષમાં મુલાકાત
કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો 10 લાખ આસપાસ છે. મંદિરે પહોંચવા માટે લોકો થારપકર, ઉમરકોટ
અને સંહાર સહિત સિંધ પ્રાંતના અલગ અલગ વિસ્તારોની લાંબી યાત્રા કરે છે. કહેવાય છે કે
યાત્રાને પૂરી કરવા માટે 20 દિવસનો સમય લાગે છે. પાકિસ્તાનમાં હિંગળાજ માતાના મંદિરને
નાનીનું મંદિર પણ કહેવામાં આવે છે. જે 21 શક્તિપીઠમાંથી એક છે. દર વર્ષે એપ્રિલ મહિનામાં
ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ત્રીજા દિવસે પૂજારી દ્વારા મંત્રોના જાપ કરવામાં
આવે છે અને દેવતાઓને ભેટ સ્વીકાર આહ્વાન થાય છે. દરેક શ્રદ્ધાળુ મંદિરે ત્રણ શ્રીફળ
ચડાવે છે.