• મંગળવાર, 21 એપ્રિલ, 2026

કાળઝાળ ગરમી વચ્ચે ચૂંટણીમાં મતદાન ઘટવાની ભીતિ

પ્રકાશ જ્હા

ગાંધીનગર તા.20 : રાજ્યમાં ગરમીનો પ્રકોપ જે રીતે વધી રહ્યો છે તે જોતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન ઓછું થવાનો ભય રાજકીય પક્ષોને સતાવી રહ્યો છે. રાજ્યમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને હવે રાજકીય પક્ષોએ પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે. ગરમીના કારણે મતદારો બહાર ઓછા નીકળે તેવી શક્યતા હોવાથી ચૂંટણી પ્રચાર અભિયાનમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે અને ડોર-ટુ-ડોર અભિયાન પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જાહેર પ્રચાર માટે વાહનોને છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન દોડાવવા માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખી ઉમેદવારો હવે પોતાના સમર્થકો સાથે વહેલી સવારે અને મોડી સાંજે ડોર-ટુ-ડોર અભિયાન કરી રહ્યા છે. બીજી તરફ ગ્રામિણ વિસ્તારોમાં પરિષદો, ખાટલા બેઠકો અને મિત્ર મંડળની રાજનીતિએ વેગ પકડ્યો છે. ગ્રામિણ વિસ્તારોમાં મોડી સાંજે ઓટલા પરિષદો તેમજ ખાટલા બેઠકો યોજીને ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. શહેરોમાં ખાસ કરીને ગ્રુપ બેઠકો, જ્ઞાતિના આગેવાનો સાથેની મુલાકાતો અને માટિંગ્સ દ્વારા પ્રચાર અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે.

લગભગ 20 વર્ષ પછી રાજ્યમાં એકસાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી હોવાથી તંત્ર પણ મોડી સાંજ સુધી ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત છે. ખૂબ ટૂંકા ગાળામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની હોવાને કારણે તંત્રમાં અન્ય વહીવટીય કામોની ફાઈલોના ઢગલા પણ ઉભા થઈ રહ્યા છે. આ ચૂંટણીમાં પ્રચાર માટે માત્ર નવ દિવસનો સમય મળ્યો હોવાથી ઉમેદવારો માટે રાત નાની અને વેશ જાજા જેવી સ્થિતિ સર્જાઈ છે. તેથી હવે સામુહિક પ્રચાર માટે નવી રીતો અપનાવવા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

ગરમીના પ્રકોપને કારણે ચૂંટણી પ્રચાર અભિયાન થોડું ધીમું પડ્યું છે. સાંજે કાર્યકરો કાર્યાલયે આવે તે માટે નાસ્તા અને ઠંડા પીણાંની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, જેથી ચૂંટણીનો માહોલ સક્રિય રહે. શહેરી વિસ્તારોમાં સોસાયટીઓમાં સમૂહ ભોજનના કાર્યક્રમો ધીમી ગતિએ યોજાઈ રહ્યા છે, જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં મિત્ર મંડળની રાજનીતિ અને ઓટલા બેઠકો દ્વારા પ્રચાર અભિયાનને વધુ ગતિ આપવામાં આવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોટા આંકડિયા અને કાઠમા ગામે એકલાયા જીવનથી કંટાળી યુવાન અને પ્રૌઢે ઝેર પીધું April 21, Tue, 2026