વોશિંગ્ટનમાં ભારતીય અધિકારીઓનું પ્રતિનિધિમંડળ કરશે મંથન
નવી દિલ્હી, તા.20: ભારત અને
અમેરિકા દ્વિપક્ષી વેપાર સમજૂતી માટે વાટાઘાટ કરવાં ભારતનાં એક ડઝનથી વધુ અધિકારીઓનું
એક પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન જવાનું છે. અમેરિકામાં ટેરિફની વ્યવસ્થામાં આવેલા બદલાવના
કારણે બન્ને પક્ષ વચ્ચે સમજૂતીનાં માળખા અંગે ફેરવિચારની સંભાવના છે.
છેલ્લે 7 ફેબ્રુઆરીએ બન્ને પક્ષ
વચ્ચે વેપાર સમજૂતીનાં મુસદ્દાની ચર્ચા થઈ હતી. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
દ્વારા અનેક દેશો ઉપર લગાડવામાં આવેલા વ્યાપક ટેરિફની વિરુદ્ધ અમેરિકાની સર્વોચ્ચ અદાલતે
ફેંસલો આપેલો. જેનાં હિસાબે અમેરિકાએ તમામ દેશો ઉપર એક સમાન 10 ટકા વધારાનાં ટેરિફની
જાહેરાત કરી નાખી હતી. એટલે કે તેની પહેલા ભારત અને અમેરિકા વચ્ચે થયેલી વેપાર સમજૂતીની
વ્યવસ્થામાં બદલાયેલા સંજોગોમાં નવેસરથી સુધારાની આવશ્યકતા ઉભી થઈ હતી.
જેનાં માટે હવે ભારતીય અધિકારીઓની
ટીમ અમેરિકામાં ચર્ચા કરવા માટે જઈ રહી છે. ભારતનાં મુખ્ય વાટાઘાટકાર વાણિજ્ય વિભાગમાં
અધિક સચિવ દર્પણ જૈન આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત કસ્ટમ અને વિદેશ મંત્રાલયનાં
અધિકારીઓ પણ ભારતીય ટીમમાં સામેલ છે.