- CAની ટીમ દ્વારા નાણાકીય ટ્રાન્ઝેક્શનનું પોસ્ટમોર્ટમ : હજુ અનેક મોટા માથાઓ પકડાય તેવી શક્યતા
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.20: રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે એક અત્યંત ચોંકાવનારી કાર્યવાહી કરતા
2500 કરોડ રૂપિયાના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર સાયબર ક્રાઈમ
તરફથી મળેલી ગુપ્ત માહિતીના સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં પડધરીના મોવીયા
ખાતે આવેલી યશ બેંકમાં ખોલાયેલા શંકાસ્પદ ખાતાઓની તપાસ કરતા ગોંડલ માર્કાટિંગ યાર્ડની
‘જ્યોત ટ્રાડિંગ કંપની’ના નામે થયેલા આશરે 200 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા.
આ મામલે પોલીસે ગુનો નોંધી બેંકના જવાબદાર કર્મચારીઓની ધરપકડ કરી છે.
આ
હાઈ પ્રોફાઈલ કેસમાં પોલીસે મૌલિક રામજી કમાણી નામના શખ્સને ઝડપી પાડ્યો છે, જે બી.બી.એ.નો
અભ્યાસ કરી યસ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતો હતો. મૌલિકે અગાઉ પકડાયેલા આરોપીઓ
મનિષ કમાણી, જય નાદપરા અને લાલાભાઈ ઝાલાવડીયા સાથે મળીને નિર્દોષ સાહેદોના નામે તેમની
જાણ બહાર પ્રોપરાઈટર તરીકેના બેંક એકાઉન્ટ પોતાની જ બ્રાન્ચમાં ખોલાવવામાં મદદ કરી
હતી. આ ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે કરવામાં આવતો હતો.
આ
કૌભાંડ એટલું મોટું અને જાટિલ છે કે પોલીસને મદદ કરવા માટે ખાસ એમપેનલ્ડ સી.એ.ની ટીમની
મદદ લેવામાં આવી રહી છે. નાણાકીય લેવડ-દેવડની ઊંડી તપાસ દ્વારા પોલીસ એ જાણવાનો પ્રયાસ
કરી રહી છે કે 2500 કરોડની આ માતબર રકમ ક્યાં અને કોના ઇશારે ટ્રાન્સફર કરવામાં આવી
હતી. હાલમાં સાયબર ક્રાઈમની ટીમે પકડાયેલા આરોપીઓની પૂછપરછના આધારે અન્ય કડીઓ મેળવી
મૂળ સૂત્રધારો સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે.