એક ટીમ એશિયન ગેમ્સમાં અને બીજી ટીમ વિન્ડિઝ વિરુદ્ધ શ્રેણી રમશે
એક
ટીમનું કપ્તાન પદ શ્રેયસ અય્યરને મળવાની પૂરી સંભાવના
મુંબઈ,
તા.20 : બીસીસીઆઇએ હવે ટી-20 ફોર્મેટ માટે 30-3પ ખેલાડીનું એક વિશાળ જૂથ બનાવવાની યોજના
તૈયાર કરી છે. આની પાછળનું મુખ્ય કારણ આ વર્ષના અંતના શેડયૂલનું છે. આ વર્ષના અંતમાં
એશિયન ગેમ્સ અને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની ટી-20 શ્રેણી એક સમય પર જ છે. આથી બીસીસીઆઇ
બે અલગ-અલગ નેશનલ ટી-20 ટીમ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. જેથી ટીમ ઇન્ડિયા એક
સમયે બે અલગ-અલગ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ રમી શકે. બીસીસીઆઇનું માનવું છે કે ઓલિમ્પિક-2028ને
ધ્યાને રાખીને હવે ટીમની ઊંડાઈ વધારવી જરૂરી બની છે.
બે
અલગ-અલગ ટીમની શરૂઆત જૂન-2026માં આયરલેન્ડ પ્રવાસથી થશે. આયરલેન્ડ સામેની ટી-20 શ્રેણી
માટે બીસીસીઆઇ એક એવી ટીમ મોકલશે જેમાં મુખ્ય ખેલાડીઓની સાથોસાથ નવા ચહેરાને પણ સામેલ
કરવામાં આવશે. આ પ્રવાસનો ઉદ્દેશ એવા ખેલાડીઓને પારખવાનો છે જેઓ એશિયન ગેમ્સમાં દેશનું
પ્રતિનિધિત્વ કરી શકે. આ પ્રયોગ અફઘાનિસ્તાન વિરુદ્ધની શ્રેણીમાં પણ થશે.
અજીત
અગરકરની આગેવાનીમાં પસંદગી સમિતિ હાલ આઇપીએલમાં ધૂમ મચાવી રહેલા ખેલાડીઓ પર નજર રાખી
રહ્યા છે. જેમાં વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, પ્રિયાંશ આર્ય, આયુષ મ્હાત્રે અને
અંગકૃષ રઘુવંશી જેવા યુવા ખેલાડી સામેલ છે. અનુભવી ખેલાડીઓમાં રજત પાટીદારનું નામ આગળ
છે. બોલિંગમાં રવિ બિશ્નોઇ, પ્રસિદ્ધ કૃષ્ણા, કાર્તિક ત્યાગી, પ્રિંસ યાદવ અને ખલિલ
અહમદ 3પ ખેલાડીના જૂથના હિસ્સા બની શકે છે. વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ આગળ ચાલી રહ્યો
છે.
ટીમના
નેતૃત્વને લઇને બોર્ડ પાસે સ્પષ્ટ યોજના છે. શ્રેયસ અય્યરને એક ટીમની કમાન મળી શકે
છે. તે પાછલી બે આઇપીએલ સીઝનથી શાનદાર દેખાવ કરી રહ્યો છે અને પંજાબ કિંગ્સનું સફળતાથી
નેતૃત્વ કરી રહ્યો છે. શ્રેયસ અય્યરને સૂર્યકુમાર યાદવના સ્થાને ટી-20 ટીમનું સુકાન
સોંપવાની પણ ચળવળ ચાલી રહી છે. સૂર્યકુમાર 3પ વર્ષનો છે અને તેના બેટિંગ ફોર્મનો ગ્રાફ
નીચે આવી રહ્યો છે.