ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં રાહતના સંકેત
નવી
દિલ્હી, તા. 24 : વૈશ્વિક અનિશ્ચિતતા અને અમેરિકી વ્યપાર નીતિમાં થઈ રહેલા મોટા બદલાવ
વચ્ચે ભારતીય અર્થતંત્ર પોતાના મજબૂત ઘરેલુ આધારના દમ ઉપર અડગ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના
નવા રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો વાસ્તવિક
જીડીપી ગ્રોથ 8.1 ટકાની નજીક રહેવાનું અનુમાન છે. બીજી તરફ મૂડીઝ એનાલિટિક્સના રિપોર્ટમાં
સંકેત આપવામાં આવ્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત
15 ટકાના ટેરિફથી ગ્લોબલ ટ્રેડ ખાસ કરીને એશિયા-પ્રશાંત ક્ષેત્રના વ્યાપારિક સમીકરણમાં
મોટો બદલાવ આવી શકે છે. એસબીઆઇના રિપોર્ટમાં
ભાર મૂકવામાં આવ્યો છે કે ભારતની આર્થિક વૃદ્ધિનું મુખ્ય એન્જિન ઘરેલુ માગ છે. કૃષિ
અને બિનકૃષિ બન્ને ક્ષેત્રમાંથી મળતા સકારાત્મક સંકેતનાં કારણે ગ્રામીણ વેચાણમાં વધારો
થયો છે. આ સાથે ગત તહેવારની ઋતુના ખર્ચ અને રાજકોષીય પ્રોત્સાહનથી શહેરી વેચાણમાં પણ
સતત સુધારો જોવા મળ્યો છે. પહેલા રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષના રિપોર્ટ અનુસાર ભારતનો
કુલ જીડીપી વૃદ્ધિ દર 7.4 ટકા રહેવાનું અનુમાન છે.
વધુમાં
ભારત પોતાના જીડીપીનો બેઝ યર 2011-12થી બદલીને 2022-23 કરી રહ્યું છે. જેના નવા આંકડા
27 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે. આ નવો બેઝ ડિજીટલ કોમર્સ અને સર્વિસ સેક્ટરના વધતા પ્રભાવને
વધુ સારી રીતે દર્શાવશે. આ દરમિયાન મૂડીઝ અનુસાર અમેરિકાના 15 ટકાના એકસમાન ટેરિફથી
ચીન અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને ફાયદો થઈ શકે છે. જેઓ અત્યારસુધી ભારે ટેરિફનો
સામનો કરી રહ્યા હતા.