સરકારી
ફરજ દરમિયાન હુમલો, એસટી કર્મચારીઓમાં રોષ
બોટાદ,
તા.25: બોટાદમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી)ના ડ્રાઈવર પર ફરજ દરમિયાન થયેલા
હિંસક હુમલાથી ભારે ચકચાર મચી જવા પામી છે. આ
બનાવ અંગે પોલીસે ગુનો નોંધી અજાણી રીક્ષા ચાલક વિરોધ કાર્યવાહી હાથ ધરવામાં
આવી છે.
વધુ
મળતી વિગતો અનુસાર ફરિયાદી હરેશભાઈ પાલજીભાઈ ચાચીયા (ઉં.વ. 45) રહે. બોટાદ, જે બોટાદ
એસટી ડેપો ખાતે છેલ્લા નવ વર્ષથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેઓ તા. 24/02/2026ના
સાંજે ઇંગોરાળા-બોટાદ રૂટ પર બસ નંબર જીજે18 ઝેડટી2272 ચલાવી રહ્યા હતા. ત્યારે ભાંભણ રોડ, શેરી નંબર
6 પાસે રિક્ષા નંબર જીજે07એયું1083 રોંગ સાઈડથી આવી બસ સામે ઊભી રહી હતી. રિક્ષાચાલકે
અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો અને રિક્ષામાંથી લોખંડની પાઈપ કાઢી બસના કાચ તોડી નાખ્યા
હતા અને ડ્રાઇવર હરેશભાઈ નીચે ઉતરતા જ આરોપીએ માથામાં પાઈપના ઘા મારી હુમલો કર્યો હતો.
જેના કારણે તેમને માથામાં ચાર ટાંકા આવ્યા તથા જમણા હાથમાં ઇજા પહોંચી હતી. આરોપીએ
જાનથી મારી નાખવાની ધમકી આપી તેમનો મોબાઇલ પણ તોડી નાખ્યો. કંડક્ટર જગદીશભાઈ બાવળિયાએ
વચ્ચે પડી વધુ હુમલો અટકાવ્યો હતો. આ બનાવને એસટી કર્મચારીઓએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો
છે અને સરકારી કર્મચારી પર થયેલા હુમલાને ગંભીર ગણાવી આરોપી સામે કડક કાર્યવાહી કરવાની
માગ કરી છે. એસ.ટી. કર્મચારી યુનિયન સંકલન સમિતિ
દ્વારા કલેક્ટર સમક્ષ આવેદન પાઠવી એસટી ડ્રાઈવર-કંડકટર પર વધતા હુમલાઓ અંગે
ચિંતા વ્યક્ત કરી કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.