• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

‘નેહરુએ વારંવાર સમજૂતીઓ કરીને દેશનો નકશો બદલી નાખ્યો’

ભાજપે પંડિત નેહરુના નામે ફરી કર્યો કોંગ્રેસ ઉપર પ્રહાર : તિબેટ સહિતના વિસ્તારો નેહરુએ મફતમાં છોડી દીધાનો દાવો

નવી દિલ્હી, તા. 25 : ભાજપ દ્વારા ફરી એક વખત દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ મુદ્દે કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પંડિત નેહરુએ પોતાના પૂરા કાર્યકાળમાં વારંવાર ક્ષેત્રીય સમજૂતિઓ કરી હતી અને ભારતની સરહદોનું હંમેશાં માટે પુન:નિર્ધારણ કરી દીધું હતું. ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતિ અંગે સરકાર ઉપર કોંગ્રેસના પ્રહારો બાદ ભાજપે વિપક્ષી દળ ઉપર પલટવાર કર્યો છે. ભાજપ પ્રવક્તા અનિલ બલૂનીએ ‘કોમ્પ્રોમાઈઝ્ડ કોંગ્રેસ’ના હેશટેગ સાથે સોશિયલ મીડિયા એક્સ ઉપર લખ્યું હતું કે પ્રથમ વડાપ્રધાનનના રૂપમાં નેહરુનું પહેલું કર્તવ્ય ભારતીય ક્ષેત્રીય અખંડતાની રક્ષા કરવાનું હતું પણ તેઓએ પોતાના પૂરા કાર્યકાળમાં વારંવાર ક્ષેત્રીય સમજૂતીઓ જ કરી હતી.

બલૂનીએ આગળ લખ્યું હતું કે, તિબેટને ટુકડા ટુકડામાં ગુમાવી દીધું હતું. અક્સાઈ ચીન અંગે સમજૂતી કરી લેવામાં આવી હતી. બેરુબારી અંગે સમજૂતી કરી હતી. પંજાબના ગામો, કચ્છના રણ માટે સમજૂતી કરી હતી. કાશ્મીર માટે પણ આવી જ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. ભાજપ સાંસદે દાવો કર્યો હતો કે વારંવાર સમજૂતીઓ નેહરુનું નેતૃત્વ હતું. એક વ્યક્તિની  સમજૂતીઓએ ભારતનો નકશો હંમેશાં માટે બદલી નાખ્યો હતો.

બલૂનીએ આરોપ મુક્યો હતો કે, નેહરુએ તિબેટમાં ભારતના અધિકારોને છોડી દીધા હતા. ડાક, ટેલિગ્રાફ અને ફોન સેવાઓ ચીનને સોંપી દેવામાં આવી હતી. તિબેટનને ચીનના ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું હતું. માઓનો પૂરો બફર ઝોન મફતમાં આપી દેવાયો હતો. અક્સાઈ ચીનમાં ચીને 1951મા સડક બનાવવાનું શરૂ કર્યું હતું, જેની ચેતવણી તત્કાલીન આઈબી પ્રમુખે આપી હતી પણ કોઈ કામગીરી કરવામાં આવી નહોતી. બલૂનીએ આરોપ મુક્યો હતો કે નેહરુ-નૂન સમજૂતિ હેઠળ નેહરુએ પશ્ચિમ બંગાળનો અડધો વિસ્તાર કેબિનેટની મંજૂરી વિના પાકિસ્તાનને આપી દીધો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક