• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

ડબલ સુપર ઓવરના થ્રીલર પછી અફઘાનિસ્તાન સામે આફ્રિકાનો દિલધડક વિજય

ક્ષ          દ. આફ્રિકા : 20 ઓવર 6/187

ક્ષ          અફઘાનિસ્તાન : 19.4 ઓવર 187 ઓલઆઉટ

અમદાવાદ, તા.11 : દ. આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર શ્વાસ થંભાવી દેતી દિલધડક ટક્કર થઈ હતી. ડબલ સુપર પછી મેચનું પરિણામ નીકળ્યું હતું. દ. આફ્રિકાનો વિજય થયો હતો જ્યારે અફઘાનિસ્તાને હાર સહન કરી હતી. આથી અફઘાન ટીમ માટે હવે સુપર-8 રાઉન્ડના દ્વાર બંધ થઈ ચૂક્યા છે. ગ્રુપ ડીના પહેલા મેચમાં તે કિવિઝ સામે હાર્યું હતું.

બન્ને ટીમ નિર્ધારિત 20-20 ઓવરમાં 187 રનની બરાબરી પર રહી હતી. આથી મેચ ટાઈ થયો હતો. સુપર ઓવરમાં પણ બન્ને ટીમ 17-17 રનની બરાબરી પર રહી હતી. જે પણ ટાઈ રહી, આથી બીજી સુપર ઓવર ફેંકાવવામાં આવી. જેમાં દ. આફ્રિકાએ 23 રન ફટકાર્યા હતા. આ સામે અફઘાનિસ્તાન 19 રન કરી શકયું હતું.

બીજી સુપર ઓવરનો રોમાંચ ચરમ પર પહોંચ્યો હતો. 24 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબી અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ બેટિંગમાં આવ્યા હતા. આફ્રિકા તરફથી સ્પિનર કેશવ મહારાજે બોલિંગ કરી હતી. પહેલા દડે નબી રન કરી શકયો ન હતો અને બીજા દડે આઉટ થયો હતો. આ પછી બેટિંગમાં આવેલ ગુરબાજે ત્રીજા, ચોથા અને પાંચમા દડે ઉપરાઉપરી ત્રણ છક્કા ફટકાર્યા હતા. આ પછીનો દડો વાઇડ રહ્યો હતો. હવે અફઘાનિસ્તાનને જીત માટે પ રનની જરૂર હતી, પણ અંતિમ દડે ગુરબાજ આઉટ થયો હતો. આથી અફઘાન ટીમ 19 રને અટકી ગઈ હતી અને હાર સહન કરી હતી. ટી-20 વિશ્વ કપના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મેચ ડબલ સુપર ઓવર સુધી પહોંચ્યો હતો.

અગાઉ નિર્ધારિત 20 ઓવરમાં દ. આફ્રિકાએ 6 વિકેટે 187 રન કર્યા હતા. જેમાં ક્વિંટન ડિ’કોકના પ9, રિયાન રિકલટનના 61 અને ડેવાલ્ડ બ્રેવિસના 23 રન મુખ્ય હતા. અફઘાનિસ્તાન તરફથી ઓમરઝાઇને 3 અને કપ્તાન રાશિદ ખાનને 2 વિકેટ મળી હતી. 188 રનના વિજય લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાન ટીમ 19.4 ઓવરમાં 187 રને ઓલઆઉટ થઈ હતી. આથી મેચનો સ્કોર બરાબરી પર રહ્યો હતો અને ટાઇ થયો હતો. આફ્રિકા તરફથી એન્ડિગીએ 3 વિકેટ લીધી હતી જ્યારે અફઘાનિસ્તાન તરફથી રહમતુલ્લાહ ગુરબાજે 42 દડામાં 4 ચોક્કા-7 છક્કાથી 84 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આખરી ઓવરમાં અફઘાનિસ્તાનને જીત માટે 13 રનની જરૂર હતી. આ ઓવર આફ્રિકા તરફથી રબાડાએ ફેંકી હતી. તેણે બે નો-બોલ અને એક વાઇડ બોલ ફેંક્યો હતો. જો કે ચોથા દડે ફારૂકી રન આઉટ થયો હતો. આથી મેચ સુપર ઓવરમાં પહોંચ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક