સુપ્રીમ
કોર્ટના આદેશ બાદ આખરે સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી : ચિરાગ ગોટીના આતંકનો ભોગ બનેલા
લોકોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સુરત,
તા. 11 : છેલ્લા આઠ મહિનાથી ડ્રગ્સ અને વ્યાજખોરીના કેસમાં નેપાળ સહિતના સ્થળોએ નાસતા
ફરતા આરોપી ચિરાગ ગોટીએ સુપ્રીમ કોર્ટની કડક ટકોર બાદ આખરે સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી
છે. ત્યારે હવે તેના આતંકનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે અને તેના વીડિયો સોશિયલ
મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.
સોશિયલ
મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ એક ભોગ બનનારે ચિરાગ ગોટીએ આપેલી યાતનાઓની આપવીતી
જણાવી હતી. જેમાં તે રડતા રડતા ઘૂંટણીયે પડી બે હાથ જોડયા છતાં તમાચા માર્યા હતા. આ
સાથે અન્ય એક યુવકને ગાદલા પર સુવડાવી લાકડીથી માર મારતો વીડિયો પણ સામે આવ્યો છે.
આ સમગ્ર મામલાની શરૂઆત 10 મહિના પહેલા થઈ હતી, જ્યારે સુરતના વેડરોડ ગુરુકુલ પાસેથી
અલ્પેશ મિયાણી નામના શખ્સને 70 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો હતો. જેની
તપાસમાં બહાર આવ્યું હતું કે ચિરાગ ગોટી અને અલ્પેશ વચ્ચે તેલના ધંધામાં અણબનાવ થયો
હતો. આ અદાવત રાખીને ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીએ મળીને અલ્પેશની
ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી તેને ખોટા કેસમાં ફસાવ્યો હતો. આ ઘટના બાદ ચિરાગ ગોટી ફરાર
થઈ ગયો હતો અને તેની સામે કલમ-70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ચિરાગ
ગોટીની ધરપકડની સાથે જ તેના અન્ય કાળા કારનામાઓ પણ બહાર આવવા લાગ્યા છે. ચિરાગના ભાઈ
નિરાંતે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે ચિરાગ ગોટીને સૂત્રધાર
ગણાવી બે અઠવાડિયામાં સરેન્ડર થવા અલ્ટીમેટમ આપ્યું હતું. આખરે એડવોકેટ મારફતે ચિરાગે
સુરત કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. કોર્ટે ચિરાગ ગોટીનો કબજો પોલીસને સોંપ્યો છે.
પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરશે.