નવી
દિલ્હી, તા.11: અમદાવાદમાં એર ઈન્ડિયાની ભયંકર વિમાન દુર્ઘટનાનાં મામલે સુપ્રીમ કોર્ટ
તરફથી ત્રણ સપ્તાહની ભીતર તપાસનો સ્ટેટસ રિપોર્ટ માગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)ને અમદાવાદમાં એર ઈન્ડિયાનાં પ્લેન
ક્રેશની દુર્ઘટના મામલે ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 12 જૂન
2025ના રોજ થયેલા આ અકસ્માતમાં 241 મુસાફર અને ચાલક દળના સભ્યો સહિત કુલ 260 લોકો માર્યા
ગયા હતા.
મુખ્ય
ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે એએઆઈબી દ્વારા અત્યાર સુધી અપનાવવામાં
આવેલા પ્રક્રિયાગત પ્રોટોકોલ ઉપર પણ રિપોર્ટ માંગ્યો છે જેથી તપાસ આંતરરાષ્ટ્રીય ધોરણો
અનુસાર થઈ રહી છે તેની ખાતરી કરી શકાય. કોર્ટે
આગામી સુનાવણીની તારીખ અને તપાસની પ્રગતિ અંગેનો અહેવાલ પણ માગ્યો હતો.
સોલિસિટર
જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે એએઆઈબીની તપાસ તેના અંતિમ તબક્કામાં છે
અને કેટલાક ભાગોની વિદેશમાં તપાસ કરવાની છે અને તે ત્રણ અઠવાડિયામાં પૂર્ણ થવાની સંભાવના
છે. તેમણે એ પણ ખાતરી આપી હતી કે તપાસ અહેવાલને
અત્યાર સુધી અનુસરવામાં આવેલી પ્રક્રિયાઓના સોગંદનામા સાથે સીલબંદ કવરમાં અદાલત સમક્ષ
રજૂ કરવામાં આવશે. આ આદેશ સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન
દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો છે.