• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

શહેરમાં સન્ડેની સમી સાંજે મેઘમહેર 10 મિનિટમાં રસ્તા પાણી-પાણી


ગાજવીજ અને ભારે પવન સાથે સેન્ટ્રલમાં 24 મિ.મી., ઈસ્ટમાં 13 મિ.મી. અને વેસ્ટ ઝોનમાં 15 મિ.મી. વરસાદ વરસ્યો

ગણેશ પંડાલો આસપાસ પણ પાણી ભરાતાં આયોજકોને મુશ્કેલી પડી

 

રાજકોટ,તા.20 : શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમી અને બફારાથી પરેશાન લોકોને રવિવારે સાંજે પડેલા વરસાદે મોટી રાહત આપી હતી. બપોર બાદ જ વાતાવરણમાં પલટો આવતાં આકાશ વાદળછાયું બન્યું હતું. સાંજે સાત વાગ્યા બાદ ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા શરૂ થયા હતા અને ત્યારબાદ ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.

શહેરના સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં વરસાદના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. કેટલાક વિસ્તારોમાં માત્ર દસેક મિનિટના ભારે વરસાદથી જ નીચાણવાળા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મૌડી, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. ગણેશ પંડાલો આસપાસ પણ પાણી ભરાતાં આયોજકોને મુશ્કેલી પડી હતી. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

મહાનગરપાલિકાના આંકડા મુજબ રાત્રે નવ વાગ્યા સુધી સેન્ટ્રલ ઝોનમાં 24 મિ.મી., ઈસ્ટ ઝોનમાં 13 મિ.મી. અને વેસ્ટ ઝોનમાં 15 મિ.મી. વરસાદ નોંધાયો હતો. સિઝનનો કુલ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 510 મિ.મી., ઈસ્ટ ઝોનમાં 419 મિ.મી. અને વેસ્ટ ઝોનમાં 542 મિ.મી. થયો છે. શહેરમાં અચાનક વરસાદ શરૂ થતાં સાંજના સમયે બહાર નીકળેલા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં વાહનો ધીમી ગતિએ પસાર થયા હતા. દરમિયાન શહેરના ચુનારાવાડ વિસ્તારમાં શેરી નં.8માં એક વૃક્ષ અને એક વીજપોલ ધરાશાયી થયા હતા, જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું ફાયર બ્રિગેડમાંથી જાણવા મળ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક