• શનિવાર, 21 નવેમ્બર, 2026

વંથલીના ધણફુલિયામાં વીજ કરંટથી સિંહનું મૃત્યુ

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વીજ શોકથી મૃત્યુની પુષ્ટિ થતાં વાડી માલિક ખેડૂતની ધરપકડ

જૂનાગઢ, તા.19ઃ વંથલી તાલુકાના ધણફુલિયા ગામે બે દિવસ પહેલાં વાડીના શેઢે વીજ કરંટ લાગવાથી સિંહનું મોત નીપજ્યું હતું. આ મામલે વન વિભાગે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે વાડી માલિક ખેડૂત સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સાથે જ વન વિભાગે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

આ અંગેની વિગતો મુજબ, ધણફુલિયા ગામના ખેડૂત હરિભાઈ ચાવડાએ પોતાના ખેતી પાકનું રક્ષણ કરવા માટે વાડીના શેઢે ફેન્સિંગમાં વીજ પ્રવાહ ગોઠવ્યો હતો. દરમિયાન પાંચથી સાત વર્ષનો સ્વસ્થ સિંહ આ ફેન્સિંગના સંપર્કમાં આવતાં તેને વીજ કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સિંહના મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સિંહનું મોત વીજ કરંટથી થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સક્કરબાગ ઝૂ ખાતે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વીજ શોકથી મૃત્યુ થયાની પુષ્ટિ થતાં વન વિભાગે કાર્યવાહી કરી હતી. એ.સી.એફ. મકરાણીની આગેવાની હેઠળ ટીમે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક