કોર્ટે ઉદય ભાનુ ચિબને ચાર દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલ્યો
નવી
દિલ્હી, તા. 24 : ઇન્ડિયા એઆઇ સમિટ દરમિયાન શર્ટલેસ પ્રદર્શન કરવાના મામલે અદાલત દ્વારા
યુથ કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનુ ચિબને ચાર દિવસની પોલીસ હિરાસતમાં મોકલી દીધો છે. એઆઈ
સમિટ હંગામા મામલે મંગળવારે સવારે દિલ્હી પોલીસે ઉદય ભાનુની ધરપકડ કરી હતી. આ પ્રદર્શનના
બનાવની તપાસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને હવે આગળની
તપાસ ઇન્ટર સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ કરશે.
આ દરમિયાન
કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માટે દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં છે. દિલ્હી પોલીસે ચિબને
પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. બાદમાં તેને ચાર દિવસની પોલીસ હિરાસતમાં મોકલી
દેવાયો હતો. પોલીસે કોર્ટ સમક્ષ સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. રિમાન્ડ ઉપર સુનાવણી
દરમિયાન દિલ્હી પોલીસે ઉદય ભાનુ ચિબને બનાવનો માસ્ટર માઇન્ડ ગણાવ્યો હતો. વધુમાં એમ
પણ કહ્યું હતું કે અન્ય આરોપીઓને હિમાચલ, જમ્મુ અને અમેઠીમાંથી પકડવાના છે. આરોપ મૂકવામાં
આવ્યો હતો કે આરોપીઓએ વૈશ્વિક મંચ ઉપર અને તમામ વિદેશી પ્રતિનિધિઓની સામે ભારતની છબીને
નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે. જાણકારી અનુસાર ઉદય ભાનુની અંદાજિત 20 કલાક પૂછપરછ
કરવામાં આવી હતી અને બાદમાં ધરપકડ થઈ હતી. તેના ઉપર અપરાધિક સાજિશ અને પોલીસ કર્મચારીઓ
સાથે મારામારીનો આરોપ છે.