• રવિવાર, 27 એપ્રિલ, 2025

ઓઈલનાં નામે ટ્રમ્પે ભારત, ચીન સામે ટેરિફનું હથિયાર ઉગામ્યું

- વેનેઝુએલા પાસેથી ઓઈલ આયાત કરશે તેને 25 ટકા વધુ ટેરિફ ફટકારવાની ટ્રમ્પની ધમકી

 

નવી દિલ્હી, તા.2પ: દુનિયામાં સળવળતી ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે ભારતની ઓઈલ આયાતની વિવિધતાની રણનીતિ સામે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવો પડકાર ઉભો કરી દીધો છે. ટ્રમ્પે વેનેઝુએલામાંથી ઓઈલ આયાત કરતાં દેશો પાસેથી 2 એપ્રિલ પછી 25 ટકા સેકન્ડરી ટેરિફ(ઉપકર) લગાવવાની ધમકી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન સહિતનાં દેશો વેનેઝુએલામાંથી ઓઈલ આયાત કરે છે.

ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, અમેરિકા અને અમારા તરફથી સમર્થિત સ્વતંત્રતા પ્રત્યે વેનેઝુએલા બહુ જ શત્રુતાપૂર્ણ રહ્યું છે. તેથી જે દેશ ત્યાંથી ઓઈલ કે ગેસની આયાત કરશે તેને અમેરિકા સાથે વ્યાપારમાં અતિરિક્ત 2પ ટકા ટેરિફ ભોગવવો પડશે. આ ટેરિફ 2 એપ્રિલથી અમલી બની જશે.

અમેરિકા દ્વારા દક્ષિણ અમેરિકા રાષ્ટ્રો ઉપર પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવ્યાનાં ત્રણેક વર્ષ પછી ભારતે ડિસેમ્બર 2023માં વેનેઝુએલાથી ક્રૂડઓઈલની આયાત ફરી શરૂ કરી હતી. ભારતમાંથી પ્રમુખ ગ્રાહકોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને નાયરા એનર્જી મુખ્ય હતી. વેનેઝુએલાની ઓઈલની નિકાસનો અડધા જેટલો જથ્થો ભારતે ખરીદ્યો છે. આંકડાઓ ઉપરથી ખ્યાલ આવે છે કે, વેનેઝુએલાએ છેલ્લે સપ્ટેમ્બર 2020માં ભારતને ક્રૂડ ઓઈલ મોકલ્યું હતું. જે ભારતનાં બંદરો ઉપર એ વર્ષનાં નવેમ્બરમાં પહોંચ્યું હતું.

વેનેઝુએલા અને ટ્રમ્પનાં સંબંધો પહેલેથી જ કડવાશભર્યા રહ્યાં છે. ટ્રમ્પને વેનેઝુએલાનું શાસન-સરકાર નાપસંદ છે. કારણ કે ત્યાંનાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ટ્રમ્પ તાનાશાહ માને છે. ટ્રમ્પની નજરે આ દેશ અમેરિકા માટે મુસીબતો ઉભી કરે છે. બીજીબાજુ માદુરોની તાકાત ઓઈલ છે. હવે માદુરોને કમજોર કરવા માટે ટ્રમ્પે તેનો ઓઈલનો કારોબાર ભાંગી નાખવાનો વ્યૂહ અપનાવ્યો છે. જેમાં ભારત સહિતનાં દેશો દાઝી જાય તેવી સંભાવના છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક