• શનિવાર, 04 મે, 2024

લોધિકાનાં ખાંભા ગામે પરપ્રાંતીય મજૂરની હત્યાનો ભેદ ઉકેલાયો

મૃતક અને હત્યારા વચ્ચે ખાણીપીણીની મહેફિલમાં ડખ્ખો થતા છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું

રાજકોટ, તા.ર4 : લોધિકાનાં ખાંભા ગામની સીમમાં અજાણ્યા યુવાનની હત્યા કરવામાં આવી હોવાના બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો અને મૃતક - હત્યારો શાપરમાં મળ્યા બાદ ખાણી-પીણીની મહેફીલમાં ઝઘડો થયા બાદ હત્યારાએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે એમપી પંથકના હત્યારાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ખાંભા ગામની સીમમાં ખાંભેશ્વર ઇન્ડ. વિસ્તારમાં ગુજરાત પોલીમર્સ નામનાં કારખાના પાસેથી અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવ અંગે લોધિકા પોલીસ અને રૂરલ એલસીબીના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક યુવાન મૂળ યુપી જિલ્લાનો અને હાલમાં શાપરમાં રહેતો અને મજૂરી કામ કરતો અરુણકુમાર દ્વારિકાપ્રસાદ હોવાનું ખૂલ્યું હતું અને બનાવના દિવસે મૃતક અરુણ અને હત્યા કરનાર ગેંડાલાલ નામનો શખસ હોવાનું ખૂલતા પોલીસે મૂળ એમપી જિલ્લાના ગેંડાલાલ ઇન્દરસિંગ દાવર નામના શખસને પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછતાછમાં ગેંડાલાલ દાવરએ એવી કબુલાત આપી હતી કે બનાવના દિવસે મૃતક અરુણ અને પોતે શાપરમાં દેશી દારૂ લેવા ભેગા થયા હતા. બાદમાં બન્ને વચ્ચે વાતચીત થયા પછી મહેફિલ માણવાનું નક્કી કર્યું હતું અને દારૂ-મટનની ખરીદી કર્યા બાદ ગેંડાલાલે ખાંભા ગામે વાડી વાવવા રાખી હોય ત્યાં પહોંચ્યા હતા અને મહેફિલ દરમિયાન મૃતક અરુણે હત્યારા ગેંડાલાલને ગાળો આપતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાયેલા ગેંડાલાલે મજૂર અરુણને છરીના ઘા ઝીંકી હત્યા કરી લાશ અવવારું સ્થળે ફેંકી દઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે હત્યારા ગેંડાલાલ ઈન્દરસિંગ દાવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક