શાસકોના અણઘડ વહીવટથી પ્રજાજનો પરેશાન
જૂનાગઢ,
તા. 15 ઃ જૂનાગઢ મનપાની આજે મળેલી સાધારણ સભામાં વિપક્ષોએ પ્રજાલક્ષી 32 જેટલા મુદ્દાઓ
ઉઠાવ્યા હતા આ મુદે શાસક વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધાંધલ ધમાલના દૃશ્યો સર્જાયા
હતાં. સામાન્ય સભા 3 કલાકથી વધુ ચાલી હતી અને બંને પક્ષોએ સામ સામે ગંભીર આક્ષેપો કર્યા
હતા.
મેયર
ધર્મેશભાઈ પોશિયાના અધ્યક્ષ સ્થાને મનપાની સાધારણ સભા કમિશનર આઇ.આર.વાળાની ઉપસ્થિતિમાં
યોજાઈ હતી.તેમાં શાસક પક્ષ દ્વારા રજૂ કરેલા એજન્ડાઓને બહુમતીના જોરે મંજૂર કરવામાં
આવ્યા હતાં તેમજ વિપક્ષ દ્વારા 17 દરખાસ્ત સહિત 32 પ્રજાલક્ષી મુદ્દાઓ ઉઠાવ્યા હતા
આ અંગેની ચર્ચામાં શાસક વિપક્ષ વચ્ચે ધાંધલ ધમાલ અને હોબાળો મચી ગયો હતો.
વિપક્ષે
શાસકોના અણઘણ વહીવટ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. શહેરમાં આડેધડ રસ્તાઓનું
ખોદકામ, પીવાના પાણીની સમસ્યા, ટીપી સ્કીમમા ખેડૂતોની 40% જમીન કપાત અને મસમોટા બેટરમેન્ટ
ચાર્જ સામે વિપક્ષે શાસકોને ભીંસમાં લીધા હતા.શાસકોએ ટી.પી. સ્કીમ મનપાનો નિર્ણય ન
હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત
નરાસિંહ મહેતા સરોવરમાં યોજાયેલા સરકારી કાર્યક્રમમાં મનપાના પદાધિકારીઓ અને ભાજપ પ્રમુખ
દ્વારા ખેસ ધારણ કરી પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યો છે. તેથી આ કાર્યક્રમના ખર્ચની ચુકવણી મનપાની તિજોરીમાંથી થશે તો વિપક્ષ કોર્ટના
દ્વાર ખટખટાવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.