• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

હળવદના ચાડધ્રામાં રેતી ખનન બાબતે આઠ ટ્રેક્ટર જપ્ત

જિલ્લા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીઃ કાયમી તપાસ  અને દરોડાની ગ્રામજનોની માગણી

 

હળવદ, તા. 15ઃ હળવદ તાલુકાના ચાડધ્રા ગામની નદીના પટમાં મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગે દરોડો પાડીને ગેરકાયદે રેતી ખનનમાં ઉપયોગમાં લેવાતા હોવાનું જણાતા 8 ટ્રેક્ટર જપ્ત કરી હળવદ પોલીસને સોંપ્યા છે. આ કાર્યવાહી બાદ હળવદ તાલુકામાં ગેરકાયદે રેતી ખનન અને તેને રોકવા માટેની વ્યવસ્થા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

હળવદ તાલુકાના ચાડધ્રા સહિત આસપાસના ગામડાંની નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું હોવાની ફરિયાદો છેલ્લા લાંબા સમયથી સામે આવી રહી હતી. સ્થાનિક લોકોએ રોયલ્ટી ભર્યા વિના નદીમાંથી રેતી કાઢવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે.

આ ફરિયાદોને ધ્યાને લઈને  જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ચાડધ્રા ગામની નદીના પટમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રેતી ભરેલા વાહનો મળી આવ્યા હતા. વિભાગે તે વાહનો કબજે કરીને નિયમ મુજબની કાર્યવાહી શરૂ કરી છે.

લોકચર્ચા મુજબ, ફરિયાદો વધે ત્યારે જ એકાદ દરોડો પાડવામાં આવે છે. દરોડા બાદ થોડા દિવસ શાંતિ રહે છે,બાદ ફરી ખનન શરૂ થઈ જાય છે.લોકોનો સવાલ છે કે વિભાગ દ્વારા દરોડા ઉપરાંત કાયમી ધોરણે શું વ્યવસ્થા કરવામાં આવી છે? નદીના પટમાં નિયમિત ચાકિંગ, રાત્રી પેટ્રાલિંગ, જીપીએસ મોનિટારિંગ, રોયલ્ટી વગરની રેતીના વેચાણ પર નિયંત્રણ જેવા પગલાં કેમ સતત લેવાતા નથી?

સામાન્ય રીતે કાર્યવાહી વાહન ચલાવનારા ડ્રાઇવરો પૂરતી જ સીમિત રહી જાય છે. હકીકતમાં  ડ્રાઇવરો મજૂરી માટે વાહન ચલાવતા હોય છે, જ્યારે રેતી કોના કહેવાથી કાઢવામાં આવી, કોના ઓર્ડરથી ક્યાં પહોંચાડવામાં આવી રહી હતી અને તેના નાણાકીય વ્યવહારો કોની સાથે થયા, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.

લોકોની માંગ છે કે તપાસ વાહન માલિક, રેતીના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા લોકો અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવી જોઈએ. જો તપાસ માત્ર નીચલા સ્તરે અટકી જશે તો ગેરકાયદે ખનનનું મૂળ કારણ દૂર થશે નહીં. જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા હવે માત્ર દરોડા પૂરતી નહીં, પરંતુ કાયદાકીય દાયરામાં રહીને કાયમી અને પારદર્શક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી થઈ છે. હળવદ પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો અંગે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ અને પોલીસની તપાસ બાદ આગળની વિગતો સામે આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક