એસીમાં શોર્ટ સર્કિટ થતાં ઓફિસમાં ભીષણ આગ; ફાયર જવાનોએ ધુમાડા વચ્ચે ઘૂસી કિંમતી હીરા સલામત બહાર કાઢ્યા
સુરત, તા.5 ઃ સુરતના કતારગામ ગોટાલાવાડી વિસ્તારમાં કેસરબા માર્કેટ પાસે આવેલા ગંગોત્રી ટાવરમાં હીરાના કારખાનાની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઓફિસમાં કાળો અને ઝેરી ધુમાડો ભરાઈ ગયો હતો. જેના પગલે કર્મચારીઓ અને રત્નકલાકારોમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ફાયર સ્ટેશનની પાંચ ગાડીઓ સાથે ટીમો સ્થળ પર પહોંચી હતી. ઓફિસમાં ધુમાડો વધુ હોવાથી અંદર પ્રવેશવું મુશ્કેલ બન્યું હતું. જેથી ફાયર જવાનોએ બ્રાધિંગ એપેરેટસ સેટ પહેરી ધુમાડાથી ભરેલી ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. એક તરફ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, તો બીજી તરફ અંદર રહેલા હીરા અને અન્ય કિંમતી સામાનને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ફાયર જવાનોની સમયસરની કામગીરીને કારણે રૂ. 50 લાખથી વધુની કિંમતના અસલ હીરા સહિતનો કિંમતી સામાન સુરક્ષિત રીતે બચાવી લેવાયો હતો. પરિણામે કારખાનેદારને મોટું આર્થિક નુકસાન ટળ્યું હતું.