UIDAIની નવી SOP જાહેર, હવે અલગ એફિડેવિટ આપવું પડશે
નવી
દિલ્હી, તા. 5 : આધારકાર્ડમાં નામ અપડેટ કરવાને લઈને ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ
(UIDAI) દ્વારા નવું સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ
પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવ્યું છે. આ
નવા જઘઙ મુજબ, નામમાં થતી વિવિધ પ્રકારની ભૂલો સુધારવા અથવા બદલવા માટે હવે અલગ-અલગ
પ્રક્રિયા અને દસ્તાવેજો નક્કી કરવામાં આવ્યા છે.
SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ
પ્રોસિજર (માનક સંચાલન પ્રક્રિયા). કોઈ પણ પ્રક્રિયાને નિયમબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે
નક્કી કરવામાં આવેલા માર્ગદર્શક સિદ્ધાંતોને SOP
કહેવામાં આવે છે. આમાં અલગ-અલગ પરિસ્થિતિઓમાં અપનાવવાની પદ્ધતિ, જરૂરી દસ્તાવેજો અને
સંબંધિત જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવે છે. જો આધારકાર્ડમાં ડેટા એન્ટ્રીની ભૂલને કારણે
નામ ખોટું નોંધાઈ ગયું હોય અને અગાઉ રજૂ કરેલા ઓળખ કે સંબંધના દસ્તાવેજમાં સાચું નામ
હોય, તો પુખ્ત વયના લોકો માટે ‘અનુબંધ-બી’ અને સગીરો માટે ‘અનુબંધ-સી’ મુજબ શપથપત્ર
રજૂ કરવું પડશે. આ સાથે નિર્ધારિત ઓળખ અથવા સંબંધનો દસ્તાવેજ પણ આપવો પડશે. લગ્ન અથવા છૂટાછેડા પછી સરનેમમાં ફેરફાર કરવાના
કિસ્સાઓમાં ‘અનુબંધ-ડી’ શપથપત્રની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે અરજદારે સંબંધિત ઓળખના
દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
નામમાં
‘ઉર્ફ’ દર્શાવેલું હોય અને તેમાંથી કોઈ પણ એક નામ હટાવીને માત્ર એક જ નામ રાખવા માટે,
પુખ્ત વયના લોકો માટે ‘અનુબંધ-ઇ’ અને સગીરો માટે ‘અનુબંધ-એફ’ શપથપત્રની જોગવાઈ છે.
આ સાથે નિર્ધારિત ઓળખ અથવા સંબંધના દસ્તાવેજો આપવા જરૂરી છે.
જો
નામ અથવા ઓળખમાં મોટો ફેરફાર કરવાનો હોય, તો નિર્ધારિત પ્રક્રિયા અંતર્ગત સરકારી ગેઝેટ
નોટિફિકેશનની જરૂર પડી શકે છે. UIDAIની વર્તમાન માહિતી અનુસાર, પ્રથમ
કે આખા નામમાં ફેરફાર કરવા માટે ગેઝેટ અધિસૂચના અને જૂના નામવાળા ઓળખના દસ્તાવેજ રજૂ
કરવા પડે છે.
નામમાં
દર્શાવેલ રેન્ક, પદ અથવા પ્રિફિક્સ જેવા કે ડોક્ટર, કર્નલ, શ્રી, શ્રીમતી, મિસ્ટર વગેરે
હટાવવા માટે પણ SOPમાં જોગવાઈ આપવામાં આવી છે. આવા
કિસ્સાઓમાં નિર્ધારિત ઓળખ દસ્તાવેજના આધારે પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. નાગરિકોએ
પોતાના મામલાની શ્રેણી મુજબ જ યોગ્ય દસ્તાવેજ અને સંબંધિત અનુબંધનો ઉપયોગ કરવો જોઈએ.
સામાન્ય રીતે નામમાં બેવાર અપડેટ કરવાની મંજૂરી હોય છે, ત્યારબાદ આગળના ફેરફાર માટે
ગેઝેટ નોટિફિકેશન અને અપવાદરૂપ પ્રક્રિયા લાગુ પડે છે.