• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

ચૂંટણી પંચના નિર્ણયો બહુમતથી નહીં હોય તો રોક મુકાશે

સરની કામગીરી સામે ઉઠેલા સવાલો મુદ્દે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટનો

મોટો સંકેત : જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવા વચગાળાનો આદેશ આપવા ઈનકાર : CECને મળેલાં આજીવન કાનૂની રક્ષણની પણ ચકાસણી થશે

પંચ અને કેન્દ્ર સરકારનો જવાબ માગતી સર્વોચ્ચ અદાલત

નવીદિલ્હી, તા.પ : ચૂંટણીપંચમાં આંતરિક મતભેદો, મનસ્વી નિર્ણય અને કામકાજની પદ્ધતિ મુદ્દેશ દેશમાં ચાલી રહેલાં વિરોધી આંદોલનો વચ્ચે આજે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી અને આમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનાં કામ ઉપર વચગાળાની રોક મૂકવા કે તેમને સસ્પેન્ડ કરવાની માગણી ઉપર અદાલતે કોઈપણ આદેશ જારી કરવાનું નકારી દીધું હતું. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને એક સપ્તાહની અંદર જવાબ પણ માગ્યો હતો. જો ચૂંટણી પંચના નિર્ણયો સર્વાનુમતે કે બહુમતથી લેવાયા ન હોવાનું સામે આવશે તો અદાલતે તેની સામે રોક લગાડવા કે રદ કરવાની તૈયારીનો સંકેત પણ આપી દીધો હતો.

દેશનાં મુખ્ય ન્યાયધીશ (સીજેઆઇ) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.મોહનાની પીઠે આજે સુનાવણી દરમિયાન એક મોટી અને અત્યંત મહત્ત્વની ટિપ્પણી કરતાં એવું પણ કહ્યું હતું કે, જો ચૂંટણી પંચના નિર્ણયો સર્વસંમતિથી લેવાયા ન હોય તો તેનાં ઉપર રોક લાગવી જોઈએ.

આ ઉપરાંત સીજેઆઇએ અખબારના અહેવાલમાં ચૂંટણીપંચની કામગીરીને લઈને થયેલા ઘટસ્ફોટ મુદ્દે પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, આ અહેવાલ 100 ટકા સાચો કે આંશિક રીતે સાચો કે ખોટો પણ હોઈ શકે છે. આજે ફક્ત આવા અખબારી રિપોર્ટ ઉપર આધાર રાખીને અદાલત કોઈ આદેશ આપી શકે નહીં. કોર્ટ આમાં ચૂંટણી પંચનો જવાબ પણ જાણવા માગશે. કોર્ટને અધિકૃત સૂચના જોઈએ. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચનાં નિર્ણયોનું પરીક્ષણ કરશે.

અદાલતે આટલેથી નહીં અટકતા સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, જો પંચના નિર્ણય સર્વાનુમતે કે બહુમતથી લેવાયા ન હોવાનું ધ્યાને આવશે તો આવા તમામ આદેશ ઉપર રોક લાગી શકે છે. જો કે તમામ નિર્ણય મનસ્વી ઢબે જ લેવાયા હોવાનું એકતરફ તારણ પણ અદાલત કાઢી શકે નહીં. અદાલતે પ્રમાણિત કરવું પડશે કે પંચના નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યા હતા. અમે ગાડીને ઘોડાની આગળ જોડી ન શકીએ. આ સાથે જ કોર્ટે સીઇસી જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવા માટે વચગાળાનો કોઈ આદેશ આપવાનું નકારી દીધું હતું.

સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) અને ચૂંટણી કમિશનર(ઈસી)ને અભિયોજન સામે મળેલા આજીવન રક્ષણની વૈધતાને ચકાસવા માટે પણ સહમતી દેખાડી દીધી છે. કોર્ટ આ સાથે જ સીઇસીએ ચૂંટણી સંચાલન સંબંધિત નિર્ણય એકતરફી લીધા હોવાનું પણ તપાસી જશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક