ભાવનગર, તા.5 ઃભાવનગર શહેરના પાનવાડી નજીક આવેલા જૂના વડવા વિસ્તારમાં જયેન્દ્ર નંદલાલ વાટેલીયાનું બે માળનું જર્જરિત મકાન અચાનક કડાકાભેર ધરાશાયી થયું હતું. આ મકાન અચાનક તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને મકાનના કાટમાળ નીચે બે લોકો દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો ત્વરિત મદદ માટે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી કાટમાળ નીચે ફસાયેલા રાજેન્દ્ર વ્રજલાલ વ્યાસ નામના આધેડને સહીસલામત બહાર કાઢી લીધા હતા.
પ્રાથમિક માહિતી મુજબ રાજેન્દ્રભાઈની હાલત હાલ સ્થિર છે. દરમિયાન, બનાવની જાણ થતાં જ ફાયર રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ હટાવીને તેમાં ફસાયેલી અન્ય એક વ્યક્તિનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા વ્યક્તિને ત્વરિત ઈમરજન્સી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકો અને ફાયર વિભાગની સજાગતા તથા ઝડપી કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી હતી.