• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

ટ્રમ્પે પ્રસ્તાવ ફગાવતાં જ ઈરાનનો હુમલો

હોર્મુઝમાં અમેરિકી જહાજો પર ડ્રોનથી નિશાન સાધ્યું

તેહરાન, તા. 27 ઃ મધ્ય- પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત વિસ્ફોટક અને ભયાનક વળાંક લઈ ચૂકી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલતા ગતિરોધને ઉકેલવા અમેરિકા સમક્ષ શાંતિનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને સખત શબ્દોમાં ફગાવી દેતાં ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને શક્તિપ્રદર્શન કરતાં અમેરિકન સૈન્ય સુરક્ષા હેઠળ જઈ રહેલાં ઓઈલ ટેન્કર્સ અને જહાજો પર એન્ટિ-િશપ મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન વડે શ્રેણીબદ્ધ ભયાનક હુમલા કર્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ખોરવાઈ ગયો છે અને એશિયાથી લઈને યુરોપ સુધી ભારે ઊર્જા સંકટ ઘેરાવાની દહેશત ઊભી થઈ છે.

મળતી માહિતી મુજબ, દક્ષિણ ઈરાનના સિરિક અને કેશ્મ ટાપુના દરિયાઈ વિસ્તારમાંથી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા અમેરિકન નૌકાદળની નાકાબંધી વચ્ચેથી પસાર થતાં કોમર્શિયલ જહાજો તરફ મિસાઈલો છોડવામાં આવી હતી.

પ્રાપ્ત પ્રાથમિક અહેવાલો અનુસાર, ઈરાનની ક્રૂઝ મિસાઈલ અને ડ્રોન હુમલાની લપેટમાં આવતા ઓછામાં ઓછું એક તેલ ટેન્કર ભયાનક રીતે ક્ષતિગ્રસ્ત થયું છે. સિરિક કિનારા અને ફારસની ખાડીમાંથી પસાર થતાં જહાજો પરથી 10થી પણ વધુ મોટા ધડાકાઓ સંભળાયા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે.

લારક ટાપુ આસપાસ ઈરાન સૈન્યની અતિ-ઝડપી હુમલો કરતી સ્પીડ બોટ્સ આક્રમક રીતે પેટ્રાલિંગ કરી રહી છે.

ઈરાનના આક્રમક હુમલા અને પ્રસ્તાવ ફગાવવા અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાશિંગ્ટનમાં આકરું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ‘ઈરાન અત્યારે હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ખોલવા માંગે છે. જાણો છો શા માટે? કારણ કે તેઓ તબાહ થઈ રહ્યા છે અને તેમની પાસે આવતો પૈસાનો પ્રવાહ સંપૂર્ણ બંધ થઈ ગયો છે. તેમણે હોર્મુઝ બંધ કરીને દુનિયા માટે મુશ્કેલી ઊભી કરવાની કોશિશ કરી હતી, પરંતુ મેં સૈન્ય ઈતિહાસની સૌથી મોટી નૌકાદળ નાકેબંધી લાદી દીધી છે.’

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક