• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

ચેસ ઓલિમ્પિયાડમાં ભારતને સિલ્વર

ઉઝબેકિસ્તાને ગોલ્ડ જીત્યો

 

 સમરકંદ, તા.27 : ચેસ ઓલિમ્પિયાડના 11મા અને અંતિમ રાઉન્ડમાં હંગેરી સામે 2.0-2.0ના રોમાંચક ડ્રો સાથે ભારતનું ટાઇટલ બચાવવાનું સપનું રોળાયું હતું. જોકે, ટાઇબ્રેકની ભારે રસાકસી બાદ ભારતીય ટીમે સિલ્વર મેડલ પોતાનાં નામે કરવામાં સફળતા મેળવી હતી. આ પરિણામ સાથે જ યજમાન ટીમ ઉઝબેકિસ્તાન સુવર્ણ ચંદ્રક વિજેતા બની હતી.

આ સુવર્ણ વિજય સાથે ઉઝબેકિસ્તાને પોતાની 2022ની ઐતિહાસિક સિદ્ધિનું પુનરાવર્તન કર્યું અને ફરી એકવાર ચેમ્પિયનનો તાજ પહેર્યો છે. ભારતીય મેન્સ ટીમે 18 મેચ પોઇન્ટ અને 28.5 ગેમ પોઇન્ટ મેળવ્યા હતા. જર્મનીની ટીમ પણ બન્ને આંકડાઓમાં (મેચ અને ગેમ પોઇન્ટ) ભારતની બરાબરી પર હતી પરંતુ ડાયરેક્ટ એન્કાઉન્ટર (હેડ ટુ હેડ) ટાઇબ્રેકરના નિયમના આધારે ભારતે જર્મનીને પછાડીને સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો. ટૂર્નામેન્ટના શરૂઆતના રાઉન્ડમાં જ ભારતે જર્મની સામે સીધી મેચમાં શાનદાર જીત નોંધાવી હતી.

અંતિમ દિવસે બોર્ડ પર ભારે ઉતાર-ચઢાવ અને નાટયાત્મક વળાંક જોવા મળ્યા હતા. આખી ટૂર્નામેન્ટ દરમિયાન ભારત માટે શાનદાર પ્રદર્શન કરનાર વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશને બોર્ડ-4 પર ગ્લેબ ડુડિન સામે ચોંકાવનારી હારનો સામનો કરવો પડયો હતો. જોકે, યુવા ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ યોગ્ય સમયે લય પકડીને બોર્ડ-2 પર અનુભવી દિગ્ગજ પીટર લેકોને  હરાવીને ટીમ માટે જરૂરી મેચ પોઇન્ટ બચાવી લીધો હતો.વિમેન્સ ચેસ ઓલિમ્પિયાડમાં ચીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ચીનનો આ સાતમો ગોલ્ડ મેડલ છે. અંતિમ રાઉન્ડમાં ચીને વિયેતનામને 3-1થી પરાજય આપ્યો હતો. કઝાકિસ્તાનની સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો અને ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક