• સોમવાર, 20 મે, 2024

ભારતીય શીપ રિસાયકલિંગ ઉદ્યોગમાં સળવળાટ

શીપ બ્રેકરોને કેટલાંક જૂનાં જહાજ મળ્યાં એટલે કામકાજ વધશે

રાજકોટ, તા.7 (ફૂલછાબ ન્યૂઝ) : ભારતીય રિસાયકલિંગ ઉદ્યોગમાં થોડો સળવળાટ થયો હોવાના સંકેતો મળ્યા છે. જૂનાં જહાજોની લે-વેચમાં તાજેતરમાં થોડી સક્રિયતા ભારતીય શીપ બ્રેકરો દ્વારા વધી છે એ કારણે બજારમાં સક્રિયતા વધી છે અને ઓફર કરવામાં આવતા ભાવમાં પણ સુધારો હતો.

અલંગના એક શીપ બ્રેકર કહે છે કે, જહાજ માલિકો દ્વારા વેચવાલી વધી છે. અગાઉ કરતા વેચાણ પાત્ર જહાજોની સંખ્યા વધી છે, પણ અતિવૃદ્ધ થઈ ચૂકેલાં છતાં પાણીમાં તરી રહેલાં જહાજોની જ વેચવાલી છે. જહાજોનાં નૂર ભાડાં ઇઝરાયલ અને ઇરાક વોર જેવા માહોલમાં વધ્યાં હતાં તે ઠરી ગયાં છે, એમાં થોડો ઘટાડો આવ્યો એટલે વેચવાલી દેખાય છે.

ભારતીય શીપ બ્રેકરો દ્વારા વૈશ્વિક બજારમાં 510થી 550 ડોલરનો ભાવ ડ્રાય બલ્ક, ટેન્કર અને કન્ટેઇનર માટે ઓફર થાય છે. બાંગ્લાદેશ ભારત કરતા 10 ડોલર કરતા વધારે ઊંચે નથી. બીજી તરફ પાકિસ્તાન 10-20 ડોલર નીચું ઓફર કરે છે. તૂર્કી ખૂબ નીચાં 360થી 380 ડોલર જેટલા નીચાં ભાવને લીધે સ્પર્ધામાં જ નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

છેલ્લા કેટલાક દિવસોમાં નાના જહાજોમાં 20 ડોલર અને મોટાં જહાજોમાં 40 ડોલરની તેજી ભારતીય બજારમાં જોવા મળી છે. જહાજ માલિકો માટે હાલના ઓફર ભાવ આરામદાયક છે. ખાસ કરીને જૂના જહાજો માટે હાલનો ભાવ વાજબી પણ છે. પનામેક્સ જેવા જહાજોના ભાવ પણ હવે સુધરે એવી શક્યતા છે. શુષ્ક ગણાતા બલ્ક ક્ષેત્રનાં જહાજોના ભાવ પણ વધ્યા છે જે હવે નજીકનાં ભવિષ્યમાં ઠંડા પડે એવી સંભાવના છે.

તાજેતરમાં કેટલાંક ટેન્કરો અને એફએસઓ ભારત અને બાંગ્લાદેશમાં વેચાણ થયા છે. પાકિસ્તાન થોડું ધીમું પડયું છે કારણ કે ત્યાં જહાજોના સોદા પાંખા થયા છે. એ રીતે બાંગ્લાદેશને અત્યારે ફાયદો છે. ત્યાંનો ભાવ 600 ડોલર સુધી પણ આવનારા દિવસોમાં પહોંચી શકે છે.  અલંગ આવતાં જહાજોની સંખ્યા મહિનાઓથી તળિયે રહી છે એટલે રિટેઇલ બજારમાં પણ બહુ કસ નથી. કોરોના પછી થોડાં પેસેન્જર જહાજો કે ક્રૂઝ શીપ આવ્યા ત્યારે રિટેઇલમાં સારી ચમક જોવા મળી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક