• શનિવાર, 27 જુલાઈ, 2024

પોરબંદર પાસે ટેન્કર-યાત્રાળુ બસ વચ્ચે અકસ્માત : 3પથી વધુને ઈજા

દ્વારકાથી સોમનાથ દર્શને જતા’તા : ત્રણ 108 મારફત ઈજાગ્રસ્તોને ખસેડાયા

પોરબંદર, તા.18 : અમદાવાદથી સૌરાષ્ટ્રના યાત્રાધામો ખાતે દર્શન કરવા નીકળેલી યાત્રાળુ બસને પોરબંદર નજીક પાણીના ટેન્કર સાથે અકસ્માત સર્જાતા 3પથી વધુ યાત્રાળુઓને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદના ધોલેરા ખાતેથી યાત્રાળુ બસ સૌરાષ્ટ્રના જુદા જુદા યાત્રાધામોના પ્રવાસે નીકળ્યા હતા. દરમિયાન યાત્રાળુ બસ પોરબંદર નજીક પહોંચી હતી ત્યારે પાણીના ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવના પગલે હાઇ-વે યાત્રાળુઓની મરણ ચિચિયારીઓથી ગુંજી ઉઠયો હતો.

આ બનાવ અંગેની જાણ થતા સેવાભાવી સંસ્થાઓના આગેવાનો-કાર્યકરો અને પોલીસ સ્ટાફ દોડી ગયા હતા અને ત્રણ 108 એમ્બ્યુલન્સ મારફત બસચાલક સહિત 3પથી વધુ મુસાફરોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોલીસે હાથ ધરેલી તપાસમાં યાત્રાળુ બસ દ્વારકાથી સોમનાથ જવા નીકળી હતી ત્યારે પોરબંદર નજીક આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પોરબંદર પાસે સર્જાયેલા અકસ્માતમાં યાત્રાળુઓની આગેવાનોએ કરી મદદ

યાત્રાળુઓને ભોજન તેમજ રત્નસાગર હોલમાં આરામ કરવા સહિતની વ્યવસ્થા કરી અપાઇ

પોરબંદર, તા.18 : પોરબંદર બાયપાસ રોડ પર આજે ધોલેરા તાલુકાના સોઢી ગામના યાત્રાળુઓની બસ દ્વારકા અને હર્ષદ દર્શન કરીને સોમનાથ જતી હતી ત્યારે પાણીના ટેન્કર સાથે અથડાતા 35 લોકોને ઇજા થઇ હતી અને તેઓને ભાવાસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા ભાજપના કાર્યકર રામદેવભાઇ મોઢવાડીયા તાત્કાલિક ભાવાસિંહજી હોસ્પિટલે દોડી ગયા હતા. નરેશભાઇ થાનકી અને દુષ્યંતભાઇ મહેતા સહિત આગેવાનો પણ સાથે રહ્યા હતા અને ઇજા પામેલ લોકોને સારવાર અપાવવા ઉપરાંત જમવાની પણ વ્યવસ્થા કરી આપી હતી. પ્રાથમિક સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલા યાત્રિકો માટે ખારવા સમાજના અગ્રણી માજી વાણોટ હરજીવનભાઇ કોટીયા અને સાગરપુત્ર સમન્વય સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઇ ખોરાવાએ તાત્કાલિક રત્નસાગર હોલ ખોલાવી ત્યાં આરામ કરવાની વ્યવસ્થા કરી આપી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક