• મંગળવાર, 18 જૂન, 2024

મુંદરાના દેશલપર પાસે માર્ગ અકસ્માતમાં રાજકોટના યુવાનનું મોત

જૂના કટારિયાથી માંડવી બીચ ફરી પરત ફરતાં કારનું ટાયર ફાટતાં દુર્ઘટના સર્જાઈ : બાળકો સહિત 11 ઘવાયા

મુંદરા, તા. 19 : ગઈ કાલે સાંજે મુંદરા તાલુકાના દેશલપર પાસેના માર્ગે ઈકો કારનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં માર્ગની સાઈડમાં ઊભેલી ટ્રકમાં કાર ઘૂસી જતાં તેમાં સવાર 37 વર્ષીય યુવાન ભરતભાઈ રસિકભાઈ જોશી (રહે. રાજકોટ)નું ગંભીર ઈજાના પગલે મૃત્યુ થયું હતું, જ્યારે આ અકસ્માતમાં અન્ય બાળકો સહિત 11 સવારને નાની-મોટી ઈજા પહોંચી હતી.

આ બનાવ અંગે મુંદરા પોલીસ મથકે, રાપર તાલુકાના ચિત્રોડના ભારતીબેન યોગેશભાઈ જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ  ગઈકાલે સવારે તેમના જૂના કટારિયામાં રહેતા ભાઈની ઈકો કાર નં. જી.જે.12-ડીજી. 5873 વાળીથી માંડવી બીચ પર ફરવા જવાનું નક્કી થતાં ફરિયાદી તથા તેના બે બાળક અને તેના ભાઈ હસમુખભાઈ લાભશંકરભાઈ ત્રિવેદી તથા ભરતભાઈ જોશી અને તેના દીકરો-દીકરી અને ભરતભાઈના બહેન અને તેમનો દીકરો તેમજ ફરિયાદીના મોટા બહેન અને તેમના દીકરા-દીકરી માંડવી બીચથી ફરીને સાંજે જૂના કટારિયા માટે પરત આવી રહ્યા હતા ત્યારે પહેલાં ઘરે પહોંચવાનું હોવાથી ઈકો ચાલક હસમુખભાઈ ત્રિવેદી ગાડી સ્પીડમાં ચલાવી રહ્યા હતા અને ભુજપુર-દેશલપર માર્ગે કારનું ટાયર ફાટતાં ચાલક હસમુખભાઈએ કાબૂ ગુમાવતાં માર્ગમાં સાઈડમાં ઊભેલી ટ્રક નં. જી.જે.12-બીડબલ્યુ-7103 વાળીમાં પાછળ ભટકાવી દેતાં કાર ફંગોળાતાં અકસ્માત સર્જાયો હતો. વચ્ચેની સીટમાં બેઠેલા મનહરપુર - રાજકોટવાળા ભરતભાઈ જોશીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 મારફત સારવાર અર્થે મુંદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં ત્યાં ફરજ પરના તબીબે ભરતભાઈને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્યોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં લખાવાતાં કારચાલક હસમુખભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક