• મંગળવાર, 18 જૂન, 2024

મોરબીના રવાપરમાં એક સપ્તાહથી પાણી નહીં આવતા સરપંચનાં ઘરે માંડયો મોરચો

રાત્રે 12:30 વાગ્યે પાણી વિતરણની બાંયધરી આપી, પણ આવ્યું નહીં લોકોને થયો રાતઉજાગરો

મોરબી, તા.18 : મોરબીના સમૃદ્ધ ગણાતા એવા રવાપર ગામમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી પાણી ન મળતા સ્થાનિક રહેવાસીઓ રોષભેર સરપંચના ઘરે રજુઆત કરવા દોડી ગયા હતા. જેમને રાત્રે 12:30 વાગ્યે પાણી વિતરણ થશે, એવી બાયંધરી આપવામાં આવી હતી, પણ પાણી નહીં આવતા લોકોને રાતઉજાગરો થયો હતો. જેથી આજે ફરી સરપંચને રજૂઆત કરી હતી.

આ મામલે સ્થાનિક અજયભાઈ કાલરિયાએ જણાવ્યું કે રવાપરમાં રવાપર-ઘુનડા રોડ પરના મધરપાર્ક સોસાયટી સહિતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 6થી 7 દિવસથી પાણી આવ્યું નથી. અત્યાર સુધીમાં ફ્લેટ દીઠ રૂ.35 હજારથી વધુનો ખર્ચ પાણીના ટાંકા ખરીદવા પાછળ થઈ ગયો છે. એવી વાતો સંભળાતી હતી કે હજુ એક અઠવાડિયું પાણી આવવાનું નથી. જો આવું થાય તો પાણીના ટાંકા પાછળ જ એકાદ લાખનો ખર્ચ થઈ જશે. જેથી આસપાસના 150 લોકો એકત્ર થઈને ગત રાત્રે સરપંચના ઘરે જઈને રજૂઆત કરી હતી કે કાં પાણી આપો, કાં તો વેરો ન લ્યો. આ સમયે હાજર આગેવાનોએ એવી હૈયાધારણા આપી હતી કે રાત્રે 12:30 વાગ્યે પાણી આવી જશે. જો કે, પાણી આવ્યું ન હતું. જેથી સ્થાનિકો આજે સરપંચની ઘરે રજૂઆત કરવા ગયા હતા. જો આજે રાત્રે પાણી ન આવે તો હવે આગળ શું કરવું તે બધા સ્થાનિકો સાથે મળીને નક્કી કરીશું, તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક