• શનિવાર, 04 મે, 2024

રાજકોટની ખોખડદડ નદીમાં નાહવા પડેલા પારડી ગામના બે મિત્રના ડૂબી જવાથી મૃત્યુ

વાળ કપાવ્યા બાદ નાહવા પડતા ઉંડા પાણીમાં ગરક થઈ ગયા’તા

રાજકોટ, તા.ર4 : આજીડેમ વિસ્તારની ખોખડદડ નદીમાં નાહવા પડેલ શાપરના પારડી ગામના બે સગીર મિત્રોના ડૂબી જવાથી મૃત્યુ નિપજયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ તેમજ ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને બન્ને તરુણોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, શાપર વેરાવળના પારડી ગામે સહજાનંદ સોસાયટીમાં રહેતા આર્યન ભરતભાઈ રાઠોડ(ઉ.17) અને નયન અજયભાઈ વેગડ(ઉ.17) નામના બન્ને પડોશી મિત્રો સાંજે ચારેક વાગ્યે ઘેરથી વાળ કપાવવા જવાનું કહી નીકળ્યા હતા. બાદમાં ખોખડદડ નદીમાં ન્હાવા પડયા બાદ બન્ને બાળકો ડુબી જવાથી મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગેની કોઈએ જાણ કરતા પોલીસ તેમજ ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને બન્ને તરુણોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. દરમિયાન બન્ને તરુણો ઘેર પરત નહી ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને બન્ને બાળકો વાળ કપાવ્યા બાદ ખોખડદડ નદી તરફ ગયાનું જાણવા મળતા તપાસ કરતા બન્ને તરુણો ડુબી ગયાની જાણ થઈ હતી.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક આર્યન અને અજય એક જ શેરીમાં પડોશમાં રહેતા હતા અને બન્નએ વાળ કપાવ્યા બાદ નદીએ ન્હાવા ગયા બાદ ડુબી જવાથી મૃત્યુ નિપજયા હતા. બન્નેના પિતા કડીયાકામની મજુરી કામ કરે છે. મૃતક આર્યન બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો અને મૃતક અજય એક બહેનથી મોટો હતો. આ બનાવના પગલે બન્ને પરિવારોમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક