• શનિવાર, 04 મે, 2024

મતદારો વધ્યા છતાં મતદાન મથકો ઘટયાં : રાજકારણમાં નવી ચર્ચા

1998 પછી બીજા જ વર્ષે ચૂંટણી યોજાઈ હતી છતાં મતદાન મથકોમાં વધારો થયો હતો આ વખતે ઘટાડો કેમ ?

પ્રકાશ જ્હા

ગાંધીનગર, તા.22: રાજ્યમાં 15 લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પછી પહેલીવાર મતદાન મથકોની સંખ્યામાં 1474 જેટલાં મતદાન મથકોનો ઘટાડો એ રાજકીય પંડિતોની ચર્ચાનો મુદ્દો બન્યો છે. રાજ્યમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 95,34,974 મતદાર હતા અને 10,960 મતદાન મથક હતાં.

રાજ્યમાં 2019માં યોજાયેલી છેલ્લી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 4,51,52,373 મતદારો હતા અને 51,851 મતદાન મથક હતાં. 2024ની ચૂંટણીમાં 5મી જાન્યુઆરી, 2024ના રોજ જાહેર થયેલ મતદારોની સંખ્યા દૃષ્ટિએ 4,94,76,832 મતદાર છે જ્યારે મતદાન મથકોની સંખ્યા 50 હજાર જેટલી છે.

મતદાન મથકોના પુન:ગઠનને અંતે મતદાન મથકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજકીય પંડિતોનું કહેવું છે કે, મતદાર યાદીમાં નામો નથી અથવા મતદાન મથકો બદલાતા મતદાન કરવા જવું નથી તેવા કારણો આ વેળાએ વધુ ચર્ચામાં આવી શકે એમ છે.

રાજકીય પંડિતોના કહેવા પ્રમાણે 1998માં લોકસભાની સામાન્ય ચૂંટણી પછી 1999નાં વર્ષમાં પુન:ચૂંટણી આવી હતી. આમ છતાં 1998ની તુલનામાં મતદારોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાને રાખી 43 મતદાન મથકો નવા ઉભા કરવામાં આવ્યાં હતાં. જે ગુજરાતમાં મતદાન મથકોની સુવિધામાં સૌથી ઓછો વધારો છે.

2014ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 4,06,03,104 મતદારો નોંધાયેલા હતા અને 45,383 મતદાન મથકો હતાં જયારે 2019માં 45,51,52,373 મતદારો હતા અને મતદાન મથકોની સંખ્યા 51,851 હતી. મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારાને ધ્યાને રાખી પાંચ હજારથી વધુ નવાં મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં હતાં.

2024માં 46 લાખ જેટલા મતદારો વધ્યા પછી પણ 1474 જેટલાં મતદાન મથકોનો ઘટાડો નોંધાયો છે. જે 2024ની ચૂંટણીમાં જ જોવા મળી રહ્યું છે.

            મતદાન મથકોના પુન:ગઠનની કવાયત તંત્રએ જે કરી છે તેમાં ક્યાંક ભૂલો રહી ગયાની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે શંકાઓને કોઈ સ્થાન નથી તેવું તંત્ર કહે છે. મતદાર યાદી ક્ષતિરહિત અને તદ્દન શુદ્ધ રહી છે.

            મતદાન મથકોની સંખ્યામાં ઘટાડો એ મતદાન મથકો માટે નિયત કરાયેલ મતદારોની સંખ્યાને ધ્યાને રાખ્યા પ્છી કરવામાં આવેલ છે. મતદાન મથકોની યાદી જાહેર કરવામાં આવી તે પૂર્વે રાજકીય પક્ષો સાથે પંચના અધિકારીઓએ બેઠકો પણ યોજી હતી અને આ પછી જ બધાની સંમતિ બાદ મતદાન મથકોની સંખ્યાને મંજૂરી આપી અને જાહેર કરવામાં આવ્યાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક