• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

‘બોગસ’ વીમા કૌભાંડનો ભાંડો ફૂટવાના ડરથી શ્રમજીવી પરિવારની સામૂહિક હત્યાની આશંકા

સુરતના બારડોલીના સમૂહ હત્યાકાંડમાં વધુ એક બાળકનો મૃતદેહ મળ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરત તા.26 ઃ સુરતના બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્રના જલગાંવના એરંડોલના શ્રમજીવી પરિવારને ગત 24 નવેમ્બરે નહેરમાં ફેંકી દઈ મૃત્યુને ઘાટ ઉતારવાના ચકચારી મર્ડર કેસમાં વધુ એકનો મૃતદેહ મળ્યો છે. બારડોલીના સરભણ ગામ નજીક ફાયરના જવાનોએ પ્રથમેશ પાટીલનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢ્યો હતો. જેને પરિવારે ઓળખી બતાવ્યો હતો. એ સાથે જ અત્યાર સુધીમાં ચારના મૃતદેહ મળ્યા અને પરિવારમાંથી હજુ હરીશ સંજય પાટીલ લાપતા છે. પોલીસે મુખ્ય શંકાસ્પદ દયાનંદ ઉર્ફે ખાંડીયા રામદાસ બદાણેની ધરપકડ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ સમગ્ર હત્યાકાંડ પાછળ બોગસ વીમા પોલિસીનો ભાંડો ફૂટી જવાની બીકે પરિવારને ખતમ કરવાનું ષડયંત્ર રચાયું હોવાની આશંકા સામે આવી છે. જો કે હજુ સુધી પોલીસે આ મામલે કંઈ કહ્યું નથી. મળતી માહિતી મુજબ, મૃતક કવિતા પાટીલના પહેલા પતિ સંજય પાટીલનું અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું દર્શાવી આરોપીઓએ વીમાની રકમ મેળવી હતી. ત્યારબાદ આ જ ટોળકીએ કવિતા અને તેના બીજા પતિ નીતિન પાટીલના નામે પણ બોગસ વીમા પોલિસી ઉતરાવી હતી.

આ મામલે મહારાષ્ટ્રના મેઘવાણબારી પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. નીતિન અને કવિતા આ વીમા કૌભાંડમાં નિર્દોષ હોવાથી તેઓ એસ.પી. અને ડી.વાય.એસ.પી. સમક્ષ હાજર થઈ સમગ્ર હકીકત જણાવવાના હતા. પોતાનો ભાંડો ફૂટી જવાની અને કૌભાંડ બહાર આવવાની બીકે આરોપીઓએ સમગ્ર પરિવારને જ ખતમ કરી દેવાનો પ્લાન ઘડ્યો હોવાની આશંકા છે. આ અંગેની વાતચીતના વીડિયો પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં વાતચીત મુજબ આરોપીઓએ એરંડોલના ગરીબ શ્રમજીવી પરિવારને

સુરતમાં સ્થાયી કરવા, રહેવા માટે ઘર તથા રોજગારી માટે રિક્ષા અપાવવાની લાલચ આપી હતી. નીતિન, તેની પત્ની કવિતા અને તેમના ચાર બાળકો એમ કુલ 6 સભ્યોને ઇકો અને ક્રેટા કારમાં બેસાડીને સુરત લાવવામાં આવી રહ્યા હતા. રસ્તામાં નહેર પાસે ગાડી ઊભી રાખી આરોપીઓએ તમામ સભ્યોના હાથ-પગ બાંધી દીધા હતા અને કોઈ કશું સમજે તે પહેલાં જ તેમને જીવતા નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક