ગુજરેરા
પોર્ટલ પર પ્રમોટર્સનો ટ્રેક રેકોર્ડ જાહેર થશે; 17 હજારથી વધુ પ્રોજેક્ટની વિગતો એક
ક્લિકમાં મળશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.25 : ગુજરાતમાં ઘર કે ફ્લેટ ખરીદવાનું આયોજન કરતા ગ્રાહકોને હવે બિલ્ડર કે પ્રમોટરની
વિશ્વસનીયતા ચકાસવી સરળ બનશે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા
ગ્રાહકોના હિતમાં પોર્ટલ પર ‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ નામનો નવો વિભાગ શરૂ કરવામાં
આવી રહ્યો છે. તેના માધ્યમથી બિલ્ડરની અગાઉની કામગીરી અને તેની સામે થયેલી કાર્યવાહી
સહિતની વિગતો એક જ જગ્યાએ જાણી શકાશે. ગુજરેરા પોર્ટલ પર રાજ્યના 17 હજારથી વધુ રિયલ
એસ્ટેટ પ્રોજેક્ટ્સના પ્રમોટર્સનો રેકોર્ડ ઉપલબ્ધ થશે. અત્યાર સુધી ઘર ખરીદનારાઓને
બિલ્ડરના અગાઉના પ્રોજેક્ટ, તેની કામગીરી અને વિશ્વસનીયતા અંગેની માહિતી મેળવવા માટે
અલગ-અલગ જગ્યાએ તપાસ કરવી પડતી હતી. નવી સુવિધાથી આ પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક
બનશે.
નવા
વિભાગમાં બિલ્ડરે અગાઉ કયા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, તેની સામે કેટલી ફરિયાદો નોંધાઈ
છે, સરકારી નોટિસ અપાઈ છે કે કેમ, કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેમજ કેટલી
પેનલ્ટી ફટકારવામાં આવી છે તેની માહિતી મળશે. આ ઉપરાંત રેરા સાથે સંકળાયેલા કેસોના
ચુકાદા અને જજમેન્ટની નકલ પણ ઉપલબ્ધ થશે. આમ, માત્ર પ્રોજેક્ટની વિગતો જ નહીં, પરંતુ
પ્રમોટરના અગાઉના રેકોર્ડની પણ જાણકારી મેળવી શકાશે.
ગ્રાહકો
પ્રોજેક્ટના નામ અથવા રેરા રજિસ્ટ્રેશન નંબરના આધારે ગુજરેરાની સત્તાવાર વેબસાઇટ પર
સર્ચ કરીને જરૂરી વિગતો મેળવી શકશે. મોબાઇલ કે કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા આ માહિતી
તપાસી શકાશે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યનાં શહેરોમાં ઘર ખરીદવા માટે લોકો જીવનભરની
બચત ખર્ચે છે. અગાઉ બિલ્ડરના ખરાબ રેકોર્ડને કારણે ગ્રાહકો છેતરાપિંડીનો ભોગ બન્યાના
કિસ્સા પણ સામે આવ્યા છે. હવે કાર્પેટ એરિયા, સુવિધાઓ અને પ્રોજેક્ટની પ્રગતિની સાથે
બિલ્ડરનો ભૂતકાળ પણ ચકાસી શકાશે. જોકે, રેકોર્ડની તપાસ સાથે કાયદાકીય દસ્તાવેજો અને
પ્રોજેક્ટની અન્ય વિગતોની ચકાસણી કરવી પણ એટલી જ જરૂરી રહેશે.