ડિજીટલ સિસ્ટમના ધબકારા બંધ થતાં ગરીબોના હકનું અનાજ અટવાયું; રાશન લેવા પહોંચેલા કાર્ડધારકોને ધરમધક્કા ખાવાનો વારો
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.20 : ગુજરાતમાં ડિજીટલ વ્યવસ્થાના દાવાઓ વચ્ચે નાગરિક પુરવઠા વિભાગના સર્વરે જ જાણે
રજા પાડી દેતાં રાજ્યની અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. શુક્રવારે વહેલી સવારથી
સર્વર ડાઉન થતાં રાજ્યની 17 હજારથી વધુ વ્યાજબી ભાવની દુકાનોમાં અનાજ વિતરણ સંપૂર્ણપણે
ઠપ થઈ ગયું હતું. પરિણામે નવેમ્બર મહિનાનું અનાજ લેવા પહોંચેલા હજારો રેશનકાર્ડ ધારકોને
ખાલી હાથે પરત ફરવું પડયું હતું.
સરકારી
તંત્રની ઓનલાઇન વ્યવસ્થા પર નિર્ભર રેશન દુકાનદારો પીઓએસ મશીનોમાં સર્વર કનેક્ટિવિટી
ન મળતાં અનાજ વિતરણ કરી શક્યા નહોતા. ડિજીટલ એન્ટ્રી અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અટકી
જતાં દુકાનદારોની મુશ્કેલી વધી હતી. બીજી તરફ, કલાકો સુધી રાહ જોનારા ગ્રાહકોમાં ભારે
રોષ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ ગ્રાહકો અને દુકાન સંચાલકો વચ્ચે બોલાચાલી પણ થઈ
હતી.
રાજ્યભરના
રેશન દુકાનદારોના એસોસિયેશને સર્વર સિસ્ટમ તાત્કાલિક અપડેટ કરી કાયમી ઉકેલ લાવવાની
માંગ કરી છે. સાથે જ વિતરણમાં વિલંબ ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત
પણ ઊભી થઈ છે. હવે જોવાનું એ છે કે તંત્ર માત્ર સર્વર ફરી શરૂ કરીને સંતોષ માને છે
કે ગરીબોના હકના અનાજ માટે કાયમી વ્યવસ્થા પણ કરે છે.
ટેકનોલોજી
આધુનિક, પણ સર્વરની સ્થિતિ જૂની !
ગુજરાતમાં
વર્ષ 2010થી બારકોડ આધારિત રેશનકાર્ડ વ્યવસ્થા અમલમાં છે. છતાં વારંવાર સર્વર ખોરવાવાની
સમસ્યા યથાવત્ છે. સવાલ એ છે કે વર્ષો જૂની ડિજીટલ વ્યવસ્થાને આજદિન સુધી એવી સક્ષમ
કેમ બનાવી શકાઈ નથી કે એક સર્વર બંધ થતાં હજારો દુકાનોનું કામ અટકી જાય? ઓનલાઇન વ્યવસ્થાના
નામે ગરીબ પરિવારોને ધક્કા ખાવા પડે તે કેવી કામગીરી?