ચોતરફથી ભાવિકો ઉમટતા શહેરમાં મેળા જેવો માહોલ
જૂનાગઢ,
તા.20 : પવિત્ર ગિરનારની લીલી પરિક્રમાનો આ વર્ષે વિધિવત પ્રારંભ કરવાની વહીવટી તંત્ર
અને સાધુ-સંતોએ જાહેરાત કરી હતી પરંતુ ઉતાવળિયા હજારો ભાવિકો ગત રાતથી તળેટીમાં ઉમટી
પડતા અને દરવાજો વહેલો ખોલવા હોબાળો મચાવતા તેમજ પરિક્રમાર્થીઓના અવિરત પ્રવાહને ધ્યાને
લઈ વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાનો પ્રવેશ દ્વાર નિર્ધારિત સમય કરતા 15 કલાક વહેલો
ખોલી નખાતા બે લાખથી વધુ ભાવિકોએ પરકમ્મા આરંભી દીધી છે.
વિધિવત
રીતે પરિક્રમાનો પ્રારંભ દેવ દિવાળીની મધરાતે થાય છે, આ વર્ષે અપૂરતા વરસાદને કારણે
પીવાના પાણીની તંગીને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર અને સાધુ-સંતો દ્વારા નિર્ધારિત સમયે
પરિક્રમા પ્રારંભ કરાનાર હોય તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં હજારો ભાવિકો
એક દિવસ વહેલા તળેટીમાં ઉમટતા ભવનાથ તળેટીમાં જનસેલાબ સર્જાયો હતો. બીજી બાજુ ચો તરફથી
ભાવિકોનો પ્રવાહ જુનાગઢ તરફ વળતા ભવનાથમાં ભાવિકોની ભીડ વધતા પરિસ્થિતિને ધ્યાન રાખી
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 15 કલાક વહેલો પરિક્રમાનો પ્રવેશદ્વાર ખોલી નખાતા ઉતાવળિયા
લાખો ભાવિકોએ પરિક્રમા શરૂ કરી દીધી હતી.
જ્યારે
નિર્ધારિત પરિક્રમા કરનારા ભાવિકોનો પ્રવાહ સવારથી ટ્રેન, એસ.ટી., ખાનગી વાહનો મારફત
જૂનાગઢમાં અવિરત વહેતા શહેરના માર્ગો ભવનાથ તળેટીમાં નજર નાખો ત્યાં પરિક્રમાથીઓના
ટોળા નજરે પડી રહ્યા હતા. અને પરિક્રમાનો પ્રવેશદ્વાર ખુલી ગયો હોવાથી ઉતાવળિયા ભાવિકો તળેટી થઈ પરિક્રમા પથ ઉપર પ્રયાણ
શરૂ કર્યું હતું.
પરિક્રમાના
પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી ખાતે મોટી સંખ્યામાં ભાવિકો પહોંચ્યા છે, આટલા જ ભાવિકો
બીજો પડાવ માળવેલા પહોંચ્યા છે .આ બન્ને પડાવ સ્થળે અંદાજે બેથી અઢી લાખ ભાવિકોએ પડાવ
કર્યો છે. આવતીકાલે આ ભાવીકો બોરદેવી ખાતે પહોંચી ત્યા રાત્રી રોકાણ કરી બીજા દિવસે
પરિક્રમા પૂર્ણ કરી ભવનાથ તળેટીમાં પરત ફરશે.
જ્યારે
પરિક્રમાનનો વિધિવત પ્રારંભ આજે મધરાતે સાધુ-સંતો, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં
દૂધેશ્વર ખાતે બંદૂકમાંથી ભડાકા કરી હર હર મહાદેવ, જય ગિરનારીના નાદ સાથે શરૂ કરાશે.
ભાવિકોના
જણાવ્યા પ્રમાણે પરિક્રમા માર્ગ પર કોઈ અગવડતા નથી પીવાના પાણીની પણ વ્યવસ્થાના વખાણ
થઈ રહ્યા છે.