• શનિવાર, 21 નવેમ્બર, 2026

સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યો : રાજકોટમાં 16.8 ડિગ્રી

નલિયા અને વડોદરામાં સૌથી નીચું 14 ડિગ્રી તાપમાન નોંધાયું : આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે

રાજકોટ, તા.20: ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજકોટમાં લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે સમગ્ર રાજ્યમાં વડોદરા અને નલિયા 14 ડિગ્રી સાથે સૌથી ઠંડા શહેરો રહ્યાં છે.

હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્રમાં રાજકોટનું લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી, પોરબંદરમાં 19 ડિગ્રી અને ભુજમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહ્યું હતું. બીજી તરફ ભુજમાં રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.1 ડિગ્રી, ગાંધીનગરમાં 17.2 ડિગ્રી, સુરતમાં 20.1 ડિગ્રી અને વડોદરામાં 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. 27 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી તેમજ હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી પણ જાહેર કરવામાં આવી નથી. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ત્યારબાદ તાપમાનમાં ક્રમશ: 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જેના કારણે આગામી દિવસોમાં રાત્રિની ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. હાલ ગુજરાતમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા ન હોવાની આગાહી કરવામાં આવી છે.

જામનગર : શહેરમાં ચાલુ વર્ષે કારતક માસના પ્રથમ પખવાડીયાની પૂર્ણાહૂતિ ટાંકણે પણ ઠંડીનુ જોર નહીવત જ રહયુ છે ત્યારે ગુરુવારે લઘુતમ તાપમાન ફરી એકાએક ડિગ્રી ગગડીને 20 ડિગ્રી પર પહોચ્યુ હતુ. જેના પગલે રાતભર વાતાવરણમા ટાઢોડા સાથે બપોરે આંશિક તાપનો અહેસાસ જનજીવને કર્યો હતો. તાપમાન સડસડાટ ડિગ્રી નીચે સરક્યો હતો અને 20 ડિગ્રી પર સ્થિર થયો હતો. બીજી બાજુ મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રી રહ્યો હતો.

અમરેલી : અમરેલી સહિત સમગ્ર જિલ્લામાં આજથી ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થતાં હવે શિયાળાની ધીમે ધીમે જમાવટ થવાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. અત્યાર સુધી લઘુત્તમ તાપમાન 20થી 22 ડિગ્રીની આસપાસ રહેતા લોકોને શિયાળાની ખાસ ઠંડીનો અનુભવ થયો ન હોતો. જોકે, આજે અમરેલીમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી નોંધાયું હતું.

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક