2030ની કોમનવેલ્થ ગેમ્સ પહેલાં
અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર પ્રસ્થાપિત કરવા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ
એન્ક્લેવનું આયોજન
ભૂકંપની કસોટીથી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
સુધી સ્પોર્ટ્સ એન્ક્લેવની બ્લૂ-પ્રિન્ટ તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.5 : સાબરમતી નદીના
કાંઠે મોટેરા વિસ્તાર હવે માત્ર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું સરનામું પૂરતો
સીમિત નહીં રહે પરંતુ આગામી 2030ની કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદને આંતરરાષ્ટ્રીય
રમતગમતના નકશા પર મુખ્ય કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ
એન્ક્લેવનું મેગા આયોજન પૂરઝડપે આગળ વધી રહ્યું છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ
આકાર લઈ રહેલા આ વિશાળ પ્રોજેક્ટમાં હવે જમીનની ફાળવણી, 7.2 કિલોમીટરના આંતરિક રોડ
નેટવર્ક, 24.8 એકરનું એક્વેટિક્સ સેન્ટર અને યુટિલિટી માળખાથી લઈને ભૂકંપની સંભાવના
અને જમીનની મજબૂતીની ટેકનિકલ કસોટી સુધીના નિર્ણયો સ્પષ્ટ તબક્કે પહોંચી ગયા છે. આ
આયોજનની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં માત્ર રમતના મોટા સ્ટેડિયમો પર જ ધ્યાન નથી
અપાયું પરંતુ ખેલાડીઓની તાલીમ, આવાસ, સુરક્ષા, જાહેર પરિવહન અને ભૂકંપીય જોખમો સામે
રક્ષણ આપતા પાયાના એન્જિનિયારિંગ નિર્ણયો સુધીનું વિગતવાર માળખું ઘડી કાઢવામાં આવ્યું
છે.
અમદાવાદ શહેર ભૂકંપીય ઝોન-3 અંતર્ગત
આવતું હોવાથી, આ સ્પોર્ટ્સ એન્ક્લેવ જેવા વિશાળ અને બહુમાળી માળખાઓ માટે માત્ર જમીન
સમતળ કરવી પૂરતી નહોતી. ભૂકંપ આવે ત્યારે જમીન અને ભૂગર્ભજળ કેવી રીતે વર્તશે ? તે જાણવા માટે સાઇટ પર 40 જેટલા બોરહોલ દ્વારા માટીના
વિવિધ સ્તરોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે.
આ તપાસ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં
જમીનની ભાર વહન ક્ષમતા સંતોષકારક મળી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં છીછરી ઊંડાઈએ ભરણ
કરેલી જમીન અથવા રાખના સ્તરોમાં ભૂકંપ દરમિયાન લિક્વિફેક્શનનું જોખમ સામે આવ્યું છે.
ભૂકંપ વખતે ઢીલી અને પાણીથી સંતૃપ્ત
જમીન ક્ષણિક સમય માટે પોતાની મજબૂતી ગુમાવીને પ્રવાહી જેવી વર્તણૂક કરી શકે છે. જેને
ધ્યાનમાં રાખીને બીએચ-13 , બીએચ-22, બીએચ-29 અને બીએચ-31 બોરહોલ ધરાવતા વિસ્તારોમાં
પાયાની ડિઝાઇનમાં વિશેષ જમીન સુધારણા અને ઊંડા પાયાના નિર્ણયો લેવા જરૂરી બન્યા છે.
રાત્રિના સમયે સમગ્ર પરિસરની સુરક્ષા માટે 9 મીટર ઉચા સ્માર્ટ મલ્ટી-યુટિલીટી પોલ લગાવવામાં
આવશે. જે માત્ર એલઈડી લાઈટ જ નહીં પરંતુ પીટુઝેડ કેમેરા, સ્પીકર્સ અને વાઈફાઈ રાઉટરથી
સજજ હશે.