• શનિવાર, 07 નવેમ્બર, 2026

ધનાધનતેરસ

શેરબજારમાં દિવાળી: તેજીની તડાફડીમાં નિફ્ટી ફરી 25 હજાર, સેન્સેક્સ 80 હજારને પાર

સાત ‘િદમાં 32 હજાર કરોડનું વિદેશી રોકાણ

નવીદિલ્હી,તા.6: વૈશ્વિક બજારોમાં ભારેખમ કડાકા છતાં સ્થાનિક શેરબજારોમાં તેજીની આતશબાજીનો સિલસિલો આજે સતત સાતમા કારોબારી સત્રમાં પણ યથાવત રહ્યો હતો. વિદેશી રોકાણકારો દ્વારા સતત ખરીદી અને ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડો અને ડોલર સામે મજબૂત બનતા રૂપિયાનાં કારણે રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બન્યો હતો. જેમાં આજે સેન્સેક્સમાં 1,718 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ફરી એકવાર 25,000ની સપાટી પાર પહોંચ્યો હતો. બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીઓના સારા નાણાકીય પરિણામો અને રૂપિયાની મજબૂતીથી પણ બજારના સકારાત્મક વલણને ટેકો મળ્યો હતો. આ ઉપરાંત શેરબજારમાં દિવાળીના તહેવારનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)નો 30 શેરો ધરાવતો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 1,718.01 પોઇન્ટ એટલે કે 2.17 ટકાના ઉછાળા સાથે દિવસની ઊંચી સપાટી 81,028.02 પર બંધ થયો હતો. બજારમાં ચોતરફ તેજી વચ્ચે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર પાવર ગ્રીડના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો 50 શેરો ધરાવતો મુખ્ય સૂચકાંક નિફ્ટી પણ 493.75 પોઇન્ટ એટલે કે 2.01 ટકાની મજબૂત તેજી સાથે દિવસની ઊંચી સપાટી 25,030.35 પર બંધ થયો હતો. નિફ્ટીનું આ છેલ્લા નવ મહિનાનું સૌથી ઊંચું સ્તર છે.

છેલ્લા સતત સાત કારોબારી સત્રોમાં સેન્સેક્સમાં 7,781.99 પોઇન્ટ એટલે કે 10.62 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે નિફ્ટીમાં 2,331.5 પોઇન્ટ એટલે કે 10.27 ટકાની તેજી નોંધાઈ છે.

ગુરુવારે સેન્સેક્સ 2,008.61 પોઇન્ટ એટલે કે 2.60 ટકા ઉછળીને 79,310.01 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 576 પોઇન્ટ એટલે કે 2.40 ટકાની તેજી સાથે 24,536.60 પર બંધ થયો હતો. બજારોમાં ટેક્નોલોજી શેરોમાં વેચવાલી જોવા મળી હોવા છતાં ભારતીય શેરબજારો સતત સાતમા સત્રમાં તેજી સાથે બંધ થયા હતા. જોકે, આ તેજી મુખ્યત્વે મોટી કંપનીઓના શેરો તેમજ બેન્કિગ અને નાણાકીય સેવા ક્ષેત્ર સુધી મર્યાદિત રહી છે. વ્યાપક બજારમાં મધ્યમ કદની કંપનીઓનો મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.23 ટકા વધીને બંધ થયો હતો, જ્યારે નાની કંપનીઓનો સ્મોલકેપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.92 ટકા ઘટ્યો હતો.

આ કારોબારી સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 6,568.49 પોઇન્ટ એટલે કે 8.82 ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીમાં કુલ 1,977.25 પોઇન્ટ એટલે કે 8.57 ટકાની તેજી આવી હતી.

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 1.50 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને પ્રતિ બેરલ 96.82 ડોલર પર પહોંચ્યો હતો.

 

એશિયાના અન્ય બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 6.02 ટકા અને જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 5.96 ટકા ઘટ્યો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ પણ એક ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા હતા.

યુરોપના બજારોમાં પણ ઘટાડા સાથે કારોબાર ચાલી રહ્યો હતો. અમેરિકાના શેરબજારો ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. નાસ્ડેક કમ્પોઝિટમાં 5.52 ટકા, એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં 4.36 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 3.44 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક