• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

મોરબીમાં ફાયરબ્રિગેડ સેવા મફત નહીં, ‘કોમર્શિયલ’ મિલકતના નવા દરો લાગુ

આગ કે રેસ્ક્યૂની ઘટના માટે પ્રથમ 8 કલાક માટે રૂ 2500 ચાર્જ વસુલવામાં આવશે : મ્યુનિ.બોર્ડ બેઠકમાં લેવાયો નિર્ણય

મોરબી, તા.5 : મોરબી મનપાની આજે ખાસ સામાન્ય સભા મેયર ઉત્તમ સુરાણી અને કમિશનર સંગીતા રૈયાણીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત ફાયર રેસ્ક્યુ કામગીરીના ચાર્જ તેમજ ઘન કચરા વ્યવસ્થાન અંગેના એજન્ડાઓ પર ચર્ચા કરી નવા ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે.

ખાસ સામાન્ય સભામાં ફાયર બ્રિગેડ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે નવા દરોને મંજુરી આપવામા આવી છે નવા જાહેર કરેલા દરો મુજબ મનપા હદ વિસ્તારમાં રહેણાંક અને જાહેર મિલકતો સિવાયની અન્ય કોમર્શીયલ મિલકતોમાં આગ કે રેસ્ક્યુની ઘટના માટે પ્રથમ 8 કલાક માટે રૂ 2500 ચાર્જ વસુલવામાં આવશે તેમજ વાહન દીઠ 1 કિલોમીટરના 25 રૂપિયા અને 8 કલાક બાદ દર કલાકે રૂ 250 ચૂકવવાના રહેશે.

આ ઉપરાંત સ્ટાફ ભથ્થું વ્યક્તિ દીઠ કલાકના 60 રૂપિયા લેખે અલગથી ચાર્જ વસુલવામાં આવશે તેમજ મનપા હદ વિસ્તાર બહાર પ્રથમ 8 કલાકના 5000 રૂપિયા અને ખાનગી બંદોબસ્ત માટે 10,000 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે તેમજ વાહન દીઠ 1 કિ.મી.ના રૂ 50 અને 8 કલાક બાદ પ્રતિ કલાકના 500 વસુલાશે જોકે મહાપાલિકા વિસ્તારમાં રહેણાક અને જાહેર મિલકતો માટે આગ બુઝાવવા કે રેસ્ક્યુ કામગીરી માટે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.

મોરબીમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે કચરાના એકત્રીકરણ અને વૈજ્ઞાનિક નિકાલનો ખર્ચ વસુલવા માટે રહેણાંક મકાનો માટે દર મહિને રૂ 60 અને ઝૂપડપટ્ટી વિસ્તાર માટે રૂ 20 ચાર્જ વસુલવામાં આવશે દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ માટે પ્રતિ મહિને રૂ 150, શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓ માટે રૂ 100 માસિક ચાર્જ તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ જેવી સંસ્થાઓ માટે માસિક રૂ 1000 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક