બનાસકાંઠાના 16 વર્ષ જૂના કેસમાં પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ છોડવા હુકમ, સરકારની અપીલ ફગાવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.5 : ગુજરાત હાઈકોર્ટે
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એક્ટ અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતાં કહ્યું કે
દરેક જાતિસૂચક અપશબ્દ એટ્રોસિટીનો ગુનો નથી. કયા શબ્દો બોલાયા અને કયા સંદર્ભમાં બોલાયા
તે સાબિત કરવું જરૂરી છે.
ગુજરાત હાઈકોર્ટે અત્યાચાર નિવારણ
અધિનિયમ અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દરેક જાતિસૂચક
અપશબ્દને આપમેળે એટ્રોસિટીનો ગુનો ગણી શકાય નહીં. કોઈ વ્યક્તિ સામે માત્ર જાતિસૂચક
શબ્દો બોલવાનો આરોપ મૂકવાથી જ એસસી-એસટી એક્ટ હેઠળ ગુનો સાબિત થઈ જતો નથી. આ માટે કેસમાં
રજૂ થયેલા પુરાવા અને સમગ્ર ઘટનાની હકીકતોનું મૂલ્યાંકન જરૂરી છે. બનાસકાંઠાના 16 વર્ષ
જૂના કેસમાં પુરાવાના અભાવે આરોપીઓની નિર્દોષ મુક્તિ યથાવત રાખી રાજ્ય સરકારની અપીલ
ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે, આ કેસમાં સરકારી પક્ષ
દ્વારા રજૂ કરાયેલા સાક્ષીઓની જુબાનીમાં વિરોધાભાસ અને પોલીસ તપાસમાં પણ પુરાવાઓની
કડીઓ ખૂટતી હતી. જેને પગલે રાજ્ય સરકારની અપીલ ફગાવી દીધી હતી. પરિણામે નીચલી અદાલતે
આરોપીઓને આપેલી નિર્દોષ મુક્તિનો નિર્ણય યથાવત રહ્યો છે. કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના
ચુકાદાઓનો હવાલો આપીને જણાવ્યું કે માત્ર શંકા ગમે તેટલી મજબૂત હોય, તો પણ તે પુરાવાનું
સ્થાન લઈ શકતી નથી.