• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

અમદાવાદને મળી વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2029ની યજમાની

દેશમાં પ્રથમ વખત યોજાનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી ગુજરાત ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી આવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 25: રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારત અને ગુજરાત માટે એક અત્યંત ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ આવી પહોંચી છે. ઇન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશન (આઇડબ્લ્યૂએફ) દ્વારા વર્ષ 2029ની પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ’ની યજમાની માટે અમદાવાદ શહેરની પસંદગી કરવામાં આવી છે. દેશમાં પ્રથમ વખત યોજાનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી ગુજરાત ફરી એકવાર ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી આવ્યું છે. ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ડ’ પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે.

નોંધનીય છે કે અગાઉ અમદાવાદમાં વર્ષ 2025માં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને મે 2026માં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન થઈ ચૂક્યું છે. આ બે મોટાં આયોજન બાદ હવે વિશ્વભરના શ્રેષ્ઠ વેઇટલિફ્ટર્સ પોતાના કૌશલ્યનો જાદુ બતાવવા માટે ગુજરાતનાં આંગણે પધારશે.

આ આયોજનથી સ્થાનિક ખેલાડીઓને મોટું પ્રોત્સાહન મળશે અને રાજ્યમાં રમતગમતના માળખાકીય વિકાસને વધુ બળ મળશે.

ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય વેઇટલિફ્ટિંગ માટે આ એક બહુ મોટો અને યાદગાર દિવસ છે. આઇડબ્લ્યૂએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેળવવા માટે રશિયા અને વેનેઝુએલા જેવા દેશોએ પણ જોરદાર દાવેદારી કરી હતી, પરંતુ આઇડબ્લ્યૂએફ એક્ઝિક્યુટિવ બોર્ડે ભારત અને ગુજરાતના વિશ્વસનીય માળખા પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો છે. આ બેઠકમાં રશિયાને 2030ની વર્લ્ડ ચેમ્પિયનશિપ અને વેનેઝુએલાને જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન સોંપાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક