• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન તેજ બન્યું, 1 નવેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રીય મહાઆંદોલન યોજાશે

અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં કોંગ્રેસની બેઠકો યોજાઈ

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, રાજકોટ, ભાવનગર, તા.25 : દેશભરમાં મતદાર યાદીઓમાંથી મતદારોનાં નામ ગાયબ થવાના આક્ષેપો વચ્ચે કોંગ્રેસે ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાનને વેગ આપ્યો છે. કોંગ્રેસે મતદાર યાદીઓનું સ્વતંત્ર ઓડિટ, કથિત ગેરરીતિઓની તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે 1 નવેમ્બરના દિલ્હી મહાઆંદોલનમાં મોટી સંખ્યામાં જોડાવા નાગરિકોને અપીલ કરી છે.

અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં યોજાયેલી બેઠકો તથા પત્રકાર પરિષદોમાં કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવી મતદાનના અધિકારનાં રક્ષણ માટે કાર્યકરોને સક્રિય થવા અપીલ કરી હતી. આગામી 1 નવેમ્બરે દિલ્હીનાં રામલીલા મેદાનમાં રાષ્ટ્રીય સ્તરે મહાઆંદોલન યોજવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ સોનલ પટેલ, વોર્ડ પ્રમુખો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. ચૌહાણે મતદાર યાદીઓમાં કથિત ગેરરીતિઓ, એક જ ફોટાના વારંવાર ઉપયોગ અને મતદારોનાં નામ કમી થવાના મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા, ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયા પારદર્શક બનાવવા અને બેલેટ પેપરથી મતદાન શરૂ કરવાની માંગ કરી હતી.

રાજકોટની મુલાકાતે આવેલા મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ મંત્રી સુનિલ કેદરે દાવો કર્યો હતો કે, દેશભરમાં આશરે 13.3 કરોડ મતદારોનાં નામ યાદીઓમાં ગાયબ છે. અર્થશાસ્ત્રીઓ જીન ડ્રેઝ અને યોગેન્દ્ર યાદવના સંશોધનનો ઉલ્લેખ કરતાં તેમણે નવ રાજ્યોમાં વસ્તીના અંદાજ અને મતદાર યાદી વચ્ચે મોટો તફાવત હોવાની વાત કરી હતી. ગુજરાતમાં પણ લાખો મતદારોનાં નામ અંગે તેમણે પ્રશ્નો ઉઠાવી ફોર્મ-7ની પ્રક્રિયાની પારદર્શક તપાસની માગ કરી હતી.

ભાવનગરમાં શહેર કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ અને કારોબારી બેઠકમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ સુખરામ પાન્સે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મતદાર યાદીઓની ચકાસણી, બોગસ નામો દૂર કરવા અને નવા મતદારો ઉમેરવા પર ભાર મૂક્યો હતો. કેન્દ્રની વિદેશ નીતિ, બેરોજગારી, મોંઘવારી અને ઇલેક્ટોરલ બોન્ડ અંગે પણ ભાજપ સરકારની ટીકા કરી હતી.

બોટાદ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ અને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી સુખદેવ પાનસે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનની કામગીરી અને ચૂંટણીલક્ષી રણનીતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં બૂથ સ્તરે સંગઠન મજબૂત બનાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક