દુષ્કર્મ આચરી આરોપી સગીરાને અવાવરું જગ્યાએ મૂકી નાશી ગયા
રાજકોટ,
તા. 24:આટકોટ પંથકમાં 17 વર્ષીય સગીરાના અપહરણ અને સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ખળભળાટ
મચાવ્યો છે. સગાઈ કરવાની લાલચ આપી સગીરાને બાઈક પર લઈ જઈ બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું
છે. ઘટના બાદ સગીરા ઘરે પરત ફરીને પરિવારને આપવીતી જણાવતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા
હતા. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મનસુખ નાનકા ભુરીયા (ઉં.વ.20) અને રાકેશ દેવકા
સગીરાને બાઈક પર બેસાડી બાબરા પંથક તરફ લઈ ગયા હતા. ત્યાં અવાવરું સ્થળે બંનેએ વારાફરતી
દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને એકલી મૂકીને બંને નાસી ગયા હતા. મૂળ મધ્યપ્રદેશનો
પરિવાર આટકોટ નજીક ખેતમજૂરી કરે છે. સગીરા બે વર્ષથી તેના કાકા સાથે રહેતી હતી. ગત
તા.21ની રાત્રે તે ગુમ થતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે ઘરે પરત ફરેલી
સગીરાએ સમગ્ર હકીકત જણાવતાં પરિવાર પર આભ તૂટી પડયું હતું. સગીરાએ જણાવ્યું કે મનસુખ
તેની સાથે સગાઈ કરવાની વાત કરતો હતો.
પરિવારની ફરિયાદના આધારે આટકોટ પોલીસે પોક્સો
એક્ટ અને અપહરણ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસની
પ્રાથમિક તપાસમાં રાકેશ દેવકા પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે.