• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

ગુજરાતમાં ગરમીનો કહેર, રાજકોટમાં પારો 40.4 ડિગ્રીને પાર

 

ભુજ-કંડલા સહિત અનેક શહેરમાં ગરમીનો પારો 39 ડીગ્રી પાર; ગુલાબી ઠંડીની રાહ જોતા ગુજરાતીઓ પર ઉનાળા જેવી ગરમીનો માર

રાજકોટ, તા.21: સામાન્ય રીતે નવરાત્રી પૂર્ણ થાય એટલે વાતાવરણમાં ઠંડક વધવાની અને ગુલાબી ઠંડીની શરૂઆત થવાની રાહ જોવાતી હોય છે પરંતુ આ વર્ષે ગુજરાતમાં ઋતુનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. નવરાત્રી બાદ પણ ઠંડીના અણસારને બદલે ગરમીનો પ્રકોપ યથાવત્ રહેતાં લોકોના મનમાં સવાલ ઊઠી રહ્યો છે કે આખરે ઠંડીનું આગમન ક્યારે થશે? ઓક્ટોબર મહિનામાં પણ જાણે ઉનાળો પાછો ફર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે રાજકોટમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પારો ઊંચો રહેતાં સામાન્ય જનજીવન પર ગરમીની અસર વર્તાઈ રહી છે. નવરાત્રી બાદ ઠંડકની આશા રાખતા લોકો માટે ગરમીનો આ મિજાજ આશ્ચર્યજનક બન્યો છે. હવે સૌની નજર એ વાત પર છે કે આ ગરમીમાંથી રાહત ક્યારે મળશે અને ગુજરાતમાં ઠંડીનું આગમન ક્યારે થશે.

રાજ્યના હવામાન મથકોના ઉપલબ્ધ આંકડા મુજબ રાજકોટમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. ભુજમાં 39.6 ડિગ્રી, જ્યારે કંડલા પોર્ટ અને સુરેન્દ્રનગરમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નાળિયામાં 39.3 અને ડીસામાં 38.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. આ ઉપરાંત કંડલા એરપોર્ટ અને        પોરબંદરમાં 38.6 ડિગ્રી, કેશોદમાં 38.5 અને વેરાવળમાં 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં સુરતનું તાપમાન 37.8 ડિગ્રી રહ્યું છે, જ્યારે અમદાવાદમાં 37.1 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર, વડોદરા અને ભાવનગરમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી રહ્યું છે. અમરેલીમાં 36.7, દીવમાં 36.3 અને દમણમાં 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં દ્વારકામાં 32.4 અને ઓખામાં 32.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્તમ તાપમાનની સાથે કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન પણ ઊંચું નોંધાયું છે. દમણમાં લઘુતમ તાપમાન 25.4 ડિગ્રી, વેરાવળમાં 25.5, સુરત અને અમદાવાદમાં 24.6 તથા કંડલા પોર્ટમાં 25.7 ડિગ્રી રહ્યું છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. નવરાત્રી પૂર્ણ થયા બાદ ઠંડકની અપેક્ષા વચ્ચે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેતાં લોકો શિયાળાની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે.

જામનગર : ગત સપ્તાહના અંતિમ ચરણમાં બેવડી ઋતુના સંક્રમણ વચ્ચે સુર્યનારાયણનો પ્રકોપ ક્રમશ: વધતો જોવા મળ્યો હતો. જેમાં સપ્તાહના પ્રારંભે શહેરમા મહતમ તાપમાનનો પારો 36.6 અને મંગળવારે 37.2 ડિગ્રી પર સ્થિર થયો હતો. જેના કારણે શહેરના રાજમાર્ગો પર પસાર થતા -રાહદારીઓ વાહનચાલકોએ મે-જુન માસ જેવા અંગ દઝાડતા તાપ સાથે ઉકળાટ-બફારાનો અહેસાસ કર્યો હતો. બીજી બાજુ લઘુતમ તાપમાન ગગડયુ હતુ અને પારો 21. ડિગ્રી પર સ્થિર થયો હતો.જેના કારણે મોડી રાત્રીથી વહેલી સવાર સુધી વાતાવરણમાં ટાઢકનો અહેસાસ પણ લોકોએ કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક