• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

તાલાલા પંથકની ધરા ધ્રુજી, 2.8ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ફફડાટ

 

તાલાલા ગિરથી 14 કિ.મી.

ઉત્તર-ઉત્તર-પૂર્વમાં કેન્દ્રાબિંદુ નોંધાયું

તાલાલા, તા.21 : ગિર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટર દ્વારા નોંધાયેલી વિગતો મુજબ, બપોરે 12:33 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રાબિંદુ તાલાલા ગીરથી આશરે 14 કિલોમીટર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં હોવાનું જાણવા મળ્યું હતું.

ભૂકંપનું કેન્દ્ર જમીનની સપાટીથી આશરે છ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઓછી ઊંડાઈએ કેન્દ્રાબિંદુ હોવાને કારણે આસપાસના વિસ્તારોમાં આંચકાની અસર અનુભવાઈ હોવાની વિગતો સામે આવી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનમાલના નુકસાન કે ઈજાના બનાવો અંગે સત્તાવાર પુષ્ટિ પ્રાપ્ત થઈ નથી. તાલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઋતુના બદલાતા મિજાજ વચ્ચે અચાનક ધરતી ધ્રૂજતાં લોકોમાં કુતૂહલ સાથે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. ભૂકંપના આંચકાના સમાચાર ફેલાતાં સ્થાનિક સ્તરે પણ તેની ચર્ચા શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ હોવાથી તેને સામાન્ય રીતે ઓછી તીવ્રતાનો ભૂકંપ ગણવામાં આવે છે. જોકે, ભૂકંપનું કેન્દ્ર જમીનની ઓછી ઊંડાઈએ હોય ત્યારે નજીકના વિસ્તારોમાં આંચકો સ્પષ્ટ રીતે અનુભવાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં અફવાઓથી દૂર રહીને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવો જરૂરી છે. તાલાલા પંથકમાં ભૂકંપની ઘટનાને પગલે લોકોમાં સાવચેતી અને જાગૃતિ જાળવવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક