10 જેસીબી, 4 હિટાચી મશીન, 6 બ્રેકર, 12 ટ્રેક્ટર અને 100થી વધુ મજૂરોની મદદથી 187 દબાણો દૂર કરી 25 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી થઇ
મોરબી, તા.8: મોરબી મહાનગરપાલિકા
દ્વારા પંચાસર રોડ પર આવેલા સાવરની પાળ વિસ્તારમાં તળાવના બ્યુટિફિકેશન માટે હાથ ધરાયેલું
મેગા ડિમોલિશન ઓપરેશન પૂર્ણ થયું છે. તળાવના પાછળના ભાગે આવેલા દબાણો દૂર કરવાની આ
કામગીરી છેલ્લા નવ મહિનાથી ચાલી રહેલી પ્રક્રિયા બાદ હાથ ધરવામાં આવી હતી. જાન્યુઆરી-ફેબ્રુઆરી
દરમિયાન આસામીઓને નોટિસ આપવામાં આવ્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
મહાપાલિકાએ સમગ્ર વિસ્તારને છ
ઝોનમાં વહેંચીને કામગીરી હાથ ધરી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ કુલ
187 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન મહાપાલિકાના આશરે 140 કર્મચારીની
છ ટીમ, 200થી વધુ પોલીસ જવાનો, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
કામગીરીમાં 10 જેસીબી, 4 હિટાચી મશીન, 6 બ્રેકર, 12 ટ્રેક્ટર અને 100થી વધુ મજૂરોની
મદદ લેવામાં આવી હતી.
ડિમોલિશન પૂર્ણ થયા બાદ અંદાજે
25 હજાર ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી થઈ છે, જેની બજાર કિંમત આશરે રૂ.80 કરોડ હોવાનું
તંત્ર દ્વારા જણાવાયું છે. સ્થાનિકરહેવાસીઓએ કાર્યવાહી પૂર્વે પોતાના કિંમતી સામાન
અને અન્ય ચીજવસ્તુઓ ખસેડી હતી.
દરમિયાન કોંગ્રેસ આગેવાનો દ્વારા
માત્ર ગરીબોના મકાનો પર કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ કરી તળાવની આસપાસના અન્ય દબાણો
સામે પણ સમાન કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તંત્રએ જણાવ્યું હતું કે હાલ
ફેઝ-1 પૂર્ણ થયો છે અને ફેઝ-2માં પાછળના વિસ્તારોમાં નોટિસ આપી ક્રમશ: દબાણો દૂર કરવામાં
આવશે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી.